અકસ્માત કેસમાં મૃતક અને બે ઈજાગ્રસ્તોનું 2.79 કરોડનું વળતર મંજૂર

બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક મુસાફરનું મોત થયું હતું જયારે બંનેને ઇજા પહોંચી’તી

ગઢડા(સ્વામીના)ના પ્રહલાદગઢ ગામની પુરઝડપે દોડતી લક્ઝરી બસ અને રાજુલાની ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મૃત્યુ અને બેને ગંભીર ઈજાના ક્લેઇમ કેસમાં રાજકોટ વ્હીકલ એકસીડન્ટ ટ્રિબ્યુનલ દ્વારા સુરતના બે ઇજાગ્રસ્ત્રોને વ્યાજ સહિત રૂ.1.98 કરોડ અને રૂ.47 લાખ, જ્યારે મૃત્યુ પામેલા બોટાદના રોહીશાળાના યુવકનું રૂ.34.50 લાખ વીમાવળતર ચૂકવવા ખાનગી લક્ઝરી બસની વીમા કંપનીને હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ ગઢડા (સ્વામીના)ના પ્રહલાદગઢ ગામની બાલાભાઈ મેંદપરાની લકઝરી બસ જીજે-14- એકસ-902 સ્પીડમાં આગળ વધી રહી હતી ત્યારે સામેથી આવતા રાજુલાના ટ્રક નં. જીજે-14- ડબલ્યુ-1797 સાથે જોશભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ખાનગી લક્ઝરી બસમાં પેસેન્જર તરીકે બેઠેલા સુરતના કિંજલ હર્ષદભાઈ પટેલ (ઉ.વ. 29) તેમજ જેસાભાઇ પાંચાભાઈ બોડીયા (ઉ.વ. 25)ને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે બોટાદના રોહીશાળા ગામના ગોરધનભાઈ બોઘાભાઈ સાથળીયા (ઉ.વ.33)નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનામાં સુરતના કિંજલ હર્ષદભાઈ પટેલને માથામાં તથા અન્ય ભાગોમાં એવી ગંભીર ઇજાઓ પહોંચાડેલ કે આજસુધી તેને બેડરેસ્ટ હોય સેમી કોમામાં હોય અને હાલમાં ટોયલેટ પણ બેડમાં જ કરતા હોય એવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમજ સુરતના જેસાભાઈ પાંચાભાઈ બોડીયાને બન્ને પગના ગોળામાં, સાથળોમાં ગંભીર ફ્રેકચરો કર્યા હતા. જ્યારે બોટાદના રોહીસાળાના ગોરધનભાઈ સાથળીયાનું ઘટના સ્થળે મોત નીપજાવ્યું હતું.
જેમાં કિંજલ પટેલની જુદી જુદી હોસ્પિટલોમાં સારવારનો રૂા.16 લાખ જેટલો ખર્ચ થયો હતો, તેમજ તેના પત્નીએ અકસ્માત બાદ છુટાછેડા લઇ લીધા હતા. તેમજ જેસાભાઇને હોસ્પિટલમાં સારવાર પાછળ રૂા.અઢી લાખ જેટલો ખર્ચ થયો હતો.ઉપરોક્ત ત્રણેય બનાવમાં ઇજાગ્રસ્તો તેમજ મૃતકના વારસદારોએ રાજકોટ મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રીબ્યુનલમાં ક્લેમ કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલવા ઉપર આવતા રાજકોટના એડિશનલ સેશન્સ જજ વી. કે. ભટ્ટે કિંજલ હર્ષદભાઈ પટેલના કેસમાં રૂા.1.98 કરોડ, સુરતના જેસાભાઇને ગંભીર ઇજાના કેસમાં રૂા.47 લાખ તેમજ બોટાદના રોહીસાળા ગામના ગોરધનભાઈના મૃત્યુ કિસ્સામાં રૂા.34.50 લાખ ખાનગી બસની વીમા કંપની ઇફકો ટોકીયોએ એક-માસમાં વળતર પેટે ચુકવી આપવા તેમજ બસની સાથે જે ટ્રક ભટકાયેલ તે ટ્રકનો કોઇ જ વાંક ન હોય તેવી જેસાભાઈ પાંચાભાઈ બોડીયાએ જુબાની આપતા ટ્રકની વીમા કંપની યુનાઇટેડ ઈન્ડિયાને જવાબદારીમાંથી કાઢી નાખવા હુકમ કર્યો છે.
આ કેસમાં અરજદારો વતી રાજકોટના વકીલ શ્યામ જે. ગોહિલ, વાંકાનેરના કપીલ વી. ઉપાધ્યાય, મૃદુલા મકવાણા અને હિરેન જે. ગોહિલ રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ