ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર કદાવર પથ્થરો સાથે ઓવરલોડ દોડતા ડમ્પરો બંધ કરાવવા માંગ

ખનીજ માફીયાઓ ખુલ્લેઆમ સરકારી સંપત્તિની લુંટ ચલાવે છે

ગીર સોમનાથ જિલ્લામાં બેરોકટોક ગેરકાયદેસર કદાવર પથ્થરો ભરી ઓવરલોડ દોડતા ડમ્પરો નિર્દોષ માનવ જીંદગી સામે જોખમરૂપ બની રહ્યા હોય વિના વિલંબે બંધ કરાવા તાલાલા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ અને ગીર સોમનાથ જિલ્લા આયોજન મંડળના સભ્ય અમિતભાઈ ઉનડકટે જીલ્લા કલેકટર સમક્ષ માંગણી કરી છે.તાલાલા પાલિકાના પૂર્વ પ્રમુખે કલેકટરને પાઠવેલ પત્રમાં જણાવેલ વિગત પ્રમાણે ગીર સોમનાથ જિલ્લામાં ખનીજ સંપતિની ચોરીનું દુષણ દિવસે દિવસે વધી રહ્યું છે.કીંમતી સરકારી સંપત્તિની ચોરી કરી કદાવર પથ્થરો ભરી આખો દિવસ ઓવરલોડ મોટા મોટા ડમ્પરો બેરોકટોક દોડી રહ્યા છે.અમુક ડમ્પરો સવારે એક વખત પરમિટ કઢાવી આ પરમિટ ઉપર આખો દિવસ ઓવરલોડ પથ્થરો ભરી ચાલે છે.સરકારી સંપત્તિ ઉપરાંત ઓવરલોડ દોડતા મોટા મોટા ડમ્પરો શહેર તથા નગરના નવા બનેલ માર્ગોનો પણ કચ્ચરઘાણ કરી નાખે છે.ખનીજ માફિયા ના કારણે સરકારી સંપત્તિની ચોરી,નવા બનેલ માર્ગોનો નાશ ઉપરાંત નિર્દોષ માનવ જિંદગી સામે જોખમ ઊભું કરતા ઓવરલોડ ચાલતા ગેરકાયદેસર ડમ્પરો વિના વિલંબે બંધ કરાવવા પાલિકાના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ઉનડકટે જિલ્લા કલેકટરને પાઠવેલ પત્રમાં માંગણી કરી છે.

રિલેટેડ ન્યૂઝ