ભાવનગરમાં યોગ દિવસની જિલ્લા કક્ષા ઉજવણીની પૂર્વતૈયારીની સમીક્ષા બેઠક યોજાઇ

21 જૂન વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીનાં આયોજન અંગેની પૂર્વ તૈયારી માટેની જિલ્લા કલેકટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં ભાવનગર જીલ્લા કક્ષાની ઉજવણીની તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. 21 જૂનને વિશ્વકક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણી સિડસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં લોકો સહભાગી બને તે રીતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે આ અંગે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાએ વિવિધ વિભાગો દ્વારા કરાયેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી દિવ્યરાજસિંહ બારીઆ તેમજ યોગ બોર્ડના પ્રતિનિધિઓ સહિતનાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિલેટેડ ન્યૂઝ