પ્રેમલગ્ન બાદ પિતાએ સંબંધ તોડી નાખતા પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત

બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની

ભાણવડ તાલુકાના મોડપર ગામે રહેતી અને પ્રેમલગ્ન કરનાર પરણિતાએ ઝેરી દવા પી લેતા તેનો સારવાર દરમિયાન રાજકોટ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. પ્રેમલગ્ન કર્યા બાદ પિતાએ સંબંધ તોડી નાખતા લાગી આવતા આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ ભાણવડ તાલુકાના મોડપર ગામે રહેતી સંતોકબેન ઉર્ફે સતીબેન નગાભાઈ નંદાણીયા (ઉ.વ.30) નામની પરિણીતાએ ગઇકાલે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે પ્રથમ ભાણવડ બાદ ઉપલેટા અને અત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક સંતોકબેને 2012માં તેની જ્ઞાતિના જ નગાભાઈ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેની સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રેમલગ્ન બાદ કલ્યાણપુર ગામે રહેતા તેના પિતા ગોવાભાઈએ સંબંધ તોડી નાખ્યા હોય જે બબાતનું લાગી આવતા આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ બનાવથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

રિલેટેડ ન્યૂઝ