ગીર સોમનાથ જિલ્લાના ટી.બી. મુક્ત થયેલા 31 ગામોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો

જનભાગીદારીથી ટી.બી.નું નિર્મૂલન કરવું આજના સમયની તાતી જરૂરિયાત- ધારાસભ્ય ડો.પ્રદ્યુમન વાજા

રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ હેઠળના ’ટીબી મુક્ત પંચાયત’ અંતર્ગત જિલ્લામાં ક્ષયમુક્ત બનેલા 31 ગામના સરપંચ અને નિક્ષય મિત્રને સન્માન કરવાનો કાર્યક્રમ વેરાવળ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતા કોડિનારના ધારાસભ્ય ડો. પ્રદ્યુમનભાઈ વાજાએ જણાવ્યું હતું કે, પહેલાના જમાનામાં ટી.બી.ને ભયાનક રોગ ગણવામાં આવતો હતો. આ રોગ થયેલા દર્દીથી લોકો અંતર બનાવતા હતા. પરંતુ, આજના સમયમાં આ રોગની દવા શોધાતા, હવે આ રોગ એ સામાન્ય રોગ તરીકે જ ગણવામાં આવે છે. લોકોએ તેનાથી ડરવાની જરૂર નથી. તેનો મક્કમતાથી સામનો કરવાની જરૂર છે.
આ અંગેનું પોતાનું જ ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું હતું કે, તેમની પત્નીને ક્ષય રોગ થયો હતો. પરંતુ તેની સમયસરની સારવારથી તે મટી ગયો અને અત્યારે તે તંદુરસ્ત જીવન વ્યતિત કરે છે.
તેમણે જણાવ્યું કે, લોકસહકાર અને જનભાગીદારીથી આવા દર્દીઓને નિયમિત રીતે પોષણક્ષમ આહાર અને નિયમિત સારવાર આપવામાં આવે તો આપણે ટી.બી.નું ચોક્કસ નિર્મૂલન કરી શકીશું. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આ અવસરે જણાવ્યું હતું કે, આપણા દેશમાં પંચાયતી રાજનું પ્રથમ પગથિયું ગ્રામ પંચાયત છે. જો ગામના સરપંચ સક્ષમ બને તો ગામમાં શિક્ષણ અને આરોગ્યનું સ્તર ચોક્કસ સુધરશે. જો ગામમાંથી તેની સારી શરૂઆત થશે તો તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ સ્તર સુધી આપણે ક્ષય નાબૂદી કરી શકીશું. વિશ્વના કુલ ક્ષયના દર્દીઓમાંથી 25 ટકા દર્દીઓ આપણા દેશના છે.
ત્યારે તે પ્રત્યે વિશેષ કાળજીની જરૂર છે. નિક્ષય મિત્ર દ્વારા દર્દીને પોષણ મળે તો તે ઝડપથી ક્ષયમુક્ત થાય છે. ક્ષય માટેની અસ્પૃશ્યતા કેળવવાને બદલે ક્ષય રોગના દર્દી પ્રત્યે અનુકંપા કેળવવાની જરૂરિયાત તેમણે આ તકે વર્ણવી હતી.
ધારાસભ્ય, કલેક્ટર ના હસ્તે ટી.બી. મુક્ત બનેલા ગામના સરપંચો અને ટી.બી.ના દર્દીઓને દત્તક લેનાર નિક્ષય મિત્રો તથા કંપનીના પ્રતિનિધિઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા ક્ષય અધિકારી શિતલ રામે જણાવ્યું હતું કે, આપણો દેશ 2025 સુધીમાં ટી.બી. મુક્ત થાય તે વડાપ્રધાન ની નેમ છે. આરોગ્ય વિભાગ ટી.બી. મુક્ત પંચાયત બને તે દિશામાં મક્કમતાથી કાર્ય કરી રહ્યું છે.
આ તકે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી પી.એન.બરૂઆ, ક્યુએએમઓ ડો.એચ.ટી.કણસાગરા સહિતના આરોગ્ય અધિકારીઓ તેમજ નિક્ષય મિત્રો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતાં.

રિલેટેડ ન્યૂઝ