સૌરાષ્ટ્રમાં મેઘ મહેર: વેરાવળમાં 4, ગોંડલ, ધોરાજી, પોરબંદર, પંથકમાં અઢી ઇંચ વરસાદ

દ્વારકા જિલ્લામાં દોઢ ઇંચ, ઢાંક, તાલાલા (ગીર), મેંદરડા, ઉના, ખંભાળીયા, બગસરા સહિત લગભગ તાલુકામાં 0ાા થી 1 ઇંચ વરસાદે ખેડૂતોના મન પુલકીત કર્યા

ચોમાસાના પ્રારંભથી જ લગભગ સૌરાષ્ટ્રના તમામ તાલુકાઓમાં ઝરમરથી એકાદ-બે ઇંચ વરસાદ વરસી રહ્યો છે. ગત સપ્તાહે અમુક તાલુકાઓમાં 1ર થી 17 ઇંચ ઝંઝાવાતી વરસાદ બાદ છેલ્લા બે દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લગભગ તમામ વિસ્તારોમાં 0ાા થી 2 ઇંચ વરસાદ વરસી રહ્યો છે. આજ તા. 9 ને મંગળવારના રોજ પણ રાજકોટ શહેર જીલ્લા સહિત ઘણાં વિસ્તારોમાં વરસાદ વરસ્યાના વાવડ છે. વેરાવળમાં જોરદાર 4 ઇંચ પાણી પડ્યું હતું દ્વારકાના કલ્યાણપુર, રાવલમાં વરસાદી પાણીમાં લોકો ફસાતા તેમનું રેસ્કયુ કરી બચાવ કરાયો હતો. ખેતરોમાં પાણી ભરાયા હતા. પોરબંદરમાં દોઢ થી બે ઇંચ, ગોંડલ પંથકમાં દોઢ થી અઢી ઇંચ, ધોરાજીમાં બે ઇંચ, ઢાંકમાં દોઢ ઇંચ અને અનેક જગ્યાએ 0ાા થી એક ઇંચ વરસાદ નોધાયો છે.
પોરબંદર જિલ્લામાં દોઢથી બે ઇંચ વરસાદ વરસતા ધરતીપુત્રોમાં હરખની હેલી
મંગળવારે પોરબંદરના બરડા ડુંગર અને તેની આજુબાજુના વિસ્તારમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તેના કારણે ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી છે. રાણાવાવ તથા આજુબાજુમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. એક અઠવાડિયાના વિરામ પછી પોરબંદર જિલ્લામાં ફરી મેઘમહેર શરૂ થઇ છે અને મંગળવારે બપોર બાદ સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યુ હતુ. વીજળીના કડાકા ભડાકા સાથે બપોરે વરસાદ વરસવાનું શરૂ થયુ હતુ અને સૌથી વધારે વરસાદ રાણાવાવ, બીલેશ્ર્વર, હનુમાનગઢ, ખંભાળા સહિતના વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસ્યો હતો જેના કારણે બીલેશ્ર્વરની બીલગંગા નદીના ગંગાઘાટ ઉપર ખૂબજ મોટીમાત્રામાં નવા નીર આવ્યા હતા. એ જ રીતે ફોદાળા અને ખંભાળા ડેમમાં પણ વરસાદને લીધે નવા નીરનું આવવું શરુ થયુ હતુ. પોરબંદર શહેર અને કુતિયાણા સહિત આજુબાજુના વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. બરડાપંથકના ગામડાઓ સોઢાણા, ફટાણા, અડવાણા, ખાંભોદર, બગવદર, વિસાવાડા સહિતના વિસ્તારોમાં પણ મંગળવારે વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હજુ આગામી બે દિવસમાં વરસાદની આગાહી હોવાથી વધુ વરસાદ વરસે તેવું જણાઇ રહ્યુ છે.
વેરાવળ પંથકમાં મેઘાનુ હેત: એક કલાકમાં 4 ઇંચ વરસાદ
ચાલુ વર્ષની સીઝનમાં મેઘરાજા વેરાવળ સોમનાથ શહેરથી રીસાયા હોય તેમ મનમુકીને વરસતા ન હોવાથી શહેરીજનો બફારાથી અકળાઈ ઉઠીને કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. દરમ્યાન આજે સાંજે છ વાગ્યા આસપાસ અચાનક જ કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય શહેર પંથક ઉપર છવાઈ ગયેલ અને મેઘરાજાએ ધીમીધારે હેત વરસાવવાનું શરૂ કર્યા બાદ એકાદ કલાક સુધી ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. જેમાં એક કલાકમાં 103 મીમી (4 ઈંચ) વરસાદ વરસી જતા જોડીયા શહેરના અનેક રસ્તાઓ અને વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની સાથે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી ગઈ હતી.
આજે સાંજે એકાદ કલાકમાં પડેલ 4 ઈંચ જેટલા અનરાધાર વરસાદના પગલે બસ સ્ટેશન રોડ, સુભાષ રોડ, સટ્ટા બજાર, તપેશ્વર મંદિર રોડ, એમજી રોડ, અનેક સોસાયટી વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાઈ ગયા હતા. જેમાં અમુક સ્થળોએ ગટરો ઉભરાઈ જતા દુર્ગંધ મારતા ગંદા પાણી વરસાદી પાણી સાથે વહેતા થતા લોકો અને વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. તંત્રએ લાખો રૂપીયાના ખર્ચે કરેલ ગટર સફાઈ જેવી પ્રીમોન્સૂનની કામગીરીની પણ સીઝનમાં પ્રથમ વખત પડેલ અનરાધાર વરસાદે પોલ ખોલી નાંખી હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળતા હતા અને પ્રીમોન્સૂનની કામગીરી કાગળ પર જ કરી હોવાની વાતો લોકો કરી રહ્યા હતા.
આજે પડેલા ભારે વરસાદના પગેલ શહેરની મુખ્ય સટ્ટા બજાર, સુભાષ રોડ, તપેશ્વર મંદિર રોડ અને લોહાણા હોસ્પીટલ રોડ ઉપર ગોઠણડુબ પાણી ભરાયા જતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ગયા હતા. આ બજારમાં આવેલ તપેશ્વર મંદિરમાં પણ વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણી ઘુસી જતા લોકોમાં રોષ વ્યાપેલ હતો. મંદિરમાં ભગવાન ગંદા પાણીમાં હોવાના દ્રશ્યો નિહાળી સૌ તંત્ર ઉપર રોષની લાગણી વરસાવી રહ્યા હતા. ગીર સોમનાથ જીલ્લામાં સવાર 6 થી રાત્રે 8 સુધીમાં ગીરગઢડામાં 20 મી.મી. (એક ઇચ), તાલાલામાં 54 મી.મી. (બે ઇચ), વેરાવળમાં 114 મી.મી. (ચાર ઇચ), સુત્રાપાડામાં 30 મી.મી. (એક ઇચ), કોડીનારમાં 14 મી.મી. (અડધો ઇચ), ઉનામાં 23 મી.મી. (એક ઇચ) વરસાદ વરસ્યો હોવાનું નોંધાયેલ છે.
મોસમનો કુલ વરસાદ
મોસમનો કુલ વરસાદના ડિઝાસ્ટર વિભાગ પાસેથી પ્રાપ્ત આંકડા પ્રમાણે સૌથી વધુ કુતિયાણા તાલુકામાં 320 મી.મી. (13 ઇંચ), બીજા ક્રમે રાણાવાવ તાલુકામાં 286 મી.મી. (11.50 ઇંચ) અને પોરબંદર તાલુકામાં 192 મી.મી. (7.50 ઇંચ) નોંધાયો છે.
ગોંડલ પંથક માં દોઢ થી અઢી ઇંચ વરસાદ
ગોંડલ માં સવાર થી જ મેઘાડંબર અને અસહ્ય બફારા બાદ બપોર પછી વરસાદ વરસવો શરુ થતા બે ઇંચ વરસાદ પડી જતા વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી.વરસાદ ને કારણે રાતાપુલ,ઉમવાડા તથા આશાપુરા અંડરબ્રિજ સહિત ઠેરઠેર પાણી ભરાયા હતા.તાલુકાના વાસાવડ,સુલતાનપુર,મોવિયા,ચરખડી,અનીડા સહિત દોઢ થી અઢી ઇંચ વરસાદ પડતા ખેતરો માં પાણી ભરાયા હતા.વાવણી બાદ શ્રીકાર મેઘવર્ષા થતા કાચુ સોનુ વરસ્યુ હોય ખેડુતો ખુશખુશાલ બન્યા છે.
ધોરાજી માં એક કલાક માં બે ઇંચ વરસાદ વરસ્યો
ધોરાજી માં એક કલાક માં બે ઇંચ વરસાદ વરસ્યો ધોરાજી શહેર અને તાલુકા પંચાયતમાં બે કલાક પડી જતા ઠેર ઠેર પાણી ભરાયા હતા
મેઘરાજાએ પાંચ દિવસ બાદ ખરી ધમાકેદાર એન્ટરી કરતા બપોર બાદ તારે વરસાદ શરૂ થયો હતો અને બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો ધોરાજી ના ચકલા ચોક ત્રણ દરવાજા વોકળા કાંઠા ત્રણ દરવાજા જેતપુર રોડ શાકમાર્કેટ રોડ વિગેરે વિસ્તારમાં પાણી ભરાયા હતા વરસાદી પાણી ના નિકાલ ની યોગ્ય વ્યવસ્થા ના હોવાને કારણે શહેર ભર માં ઠેરઠેર વરસાદી પાણી ભરાવા ની સમસ્યા જોવા મળી હતી નગર પાલિકા ની પ્રિ મોન્સુન કામગીરી માત્ર કાગળ ઉપર જોવા મળી હતી ભૂગર્ભ ગટર ની કુંડીઓ અને વોકળા ની સફાઈ ના થઈ હોવાને કારણે શહેર ભર માં વરસાદી પાણી ભરાયા હતા રાજસ્થાન નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે અને પ્રજા મુશ્કેલી ભોગવી રહી છે
કલ્યાણપુર અને ભાણવર પંથકમાં ધોધમાર વરસાદ ખંભાળિયામાં છૂટો છવાયો
ભાટિયા મા પુર વરસાદ,કલ્યાણપુર પથકમાં ધોધમાર વરસાદને કારણે પ્રેમસરથી ટકારીયા તરફ જતો રસ્તામાં પર આવેલ કોઝવે પર ભારે પાણીનુ પુર,લોકો રસ્તો ઓળંગવા માટે લોકો દોરડાનો સહારો લીધો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા છ દિવસથી મેઘરાજાએ વિરામ લીધા બાદ આજ આજ રોજ બપોર બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો હતો અને મેઘરાજાયે મંડાણ કર્યા હતા ખંભાળિયામાં આકાશ ઉપર કાળા વાદળાઓ ઘેરાઈ ગયા હતા પવનના સુસવટા સાથે થોડીવાર માટે અંધારપટ જેવો માહોલ સર્જાયો હતો અને મેઘાવી માહોલ સાથે છુટા છવાયા ઝાપટા શરૂ થયા હતા તેમજ કલ્યાણપુર અને ભાણવડ પથકમાં અડધોથી દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક ઠેકાણે પૂરના દ્રશ્યો જોવા મળ્યા હતા કલ્યાણપુર તાલુકાના ભાટીયામા ધોધમાર વરસાદને કારણે ગામના રસ્તાઓ પર પાણીના પુર ફરી વળ્યા હતા જ્યારે કલ્યાણપુર પથકમાં ધોધમાર વરસાદને કારણે પ્રેમસરથી ટકારીયા તરફ જતો રસ્તામાં પર આવેલ કોઝવે પર ભારે પાણીનું પૂર આવતા રસ્તો થોડી વાર માટે બંધ થઈ જતા રસ્તા પરથી પસાર થતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને રસ્તો ઓળંગવા માટે લોકો દોરડાનો સહારો લઈ રસ્તો પસાર કરતા જોવા મળ્યા હતા આમ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર અને ભાણવડ પંથકમાં બપોર બાદ અને સાંજે છ વાગ્યા સુધી અડધાથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડી જતા ઠેર ઠેર પાણીના દ્રશ્ય જોવા મળ્યા હતા
ઢાંકમાં ર કલાકમાં દોઢ ઇંચ વરસાદ
ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આજ સવારથી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. બપોરના 3.30 થી પ.30 વાગ્યા સુધીમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. હજુ ભારે ઉકળાટ છે. વાતાવરણ હજુ ઠંડક પ્રસરી નથી આજનો બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.
તાલાલા પંથકમાં સર્વત્ર એક ઇંચ વરસાદ
તાલાલા પંથકમાં થોડા દિવસના વિરામ બાદ ફરી આજ સવારથી વરસાદી માહોલ છવાયા બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો.આજે દિવસ દરમિયાન તાલાલા શહેરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો આ વરસાદ તાલાલા પંથકના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં પણ પડ્યો છે વાવણી બાદ વરસાદ પડતા વાવણી માટે વરસાદ લાભકર્તા બની રહ્યો છે.
મેંદરડા પથક માં 1 થી 2 ઇંચ વરસાદ
ઘણા દિવસો ના વિરામ બાદ આજે ફરી વરસાદ વરસ્યો હતો મેંદરડા પથક માં ખેડૂતો ને વાવણી થય ગય છે ત્યારે આજે ફરી વરસાદ થતાં ખેડૂતો માં ખુશી જોવા મળી હતી વરસાદ ને લય રોડ રસ્તા ઓ પર પાણી ભરાય હતા
ઉના પંથક માં 2 કલાક માં 1ઇંચ વરસાદ
ઉના પંથક માં 3 દિવસ નાં વરસાદ નાં વિરામ બાદ આજ સવાર થી મેઘાવી માહોલ વચ્ચે ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થયેલ ત્યારબાદ ધોધમાર વરસાદ વરસતા ઉના શહેર માં 2 કલાક માં એક ઇંચ વરસાદ વરસી ગયેલ જ્યારે સીઝન નો અત્યાર સુધી માં 10 ઇંચ વરસાદ થવા પામેલ છે તે સિવાય ગ્રામ્ય વિસ્તાર માં વરસાદ હોઈ તેમ ગીરગઢડા માં પણ એક ઇંચ વરસાદ વરસી ગયેલ ધોધમાર વરસાદ ને પગલે શહેર નાં લોકો માં ખુશી જોવા મળતી હતી તેમજ ગ્રામ્ય વિસ્તાર જેવાકે નાના સમઢિયાળા માં પણ ધોધમાર 3 ઇંચ થી વધુ વરસાદ વરસી જતા ખેતરો માંથી પાણી બહાર નીકળી ગયા હતા તેમજ માલણ નદી માં પણ પુર આવ્યું હતું.તેમજ ગ્રામ્ય વિસ્તાર માં પણ એક થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. વાવણી બાદ વરસાદ વરસતા ખેડૂતો માં ખુશી નો માહોલ જોવા મળતો હતો.જ્યારે ઉના નાં ગીર પંથક માં આવેલા રાવલ ડેમ પર 11 એમ.એમ.તેમજ મછુદ્રી ડેમ પર 20 એમ.એમ.વરસાદ વરસ્યો હતો .તેમજ ગીર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તાર જેવાકે ધોકડવા જૂનાઉગલા સહિત સનખડા ગાંગડા સહિત નાં ગ્રામ્ય વિસ્તાર માં વરસાદ વરસતા લોકો એ ગરમી માંથી રાહત મેળવી હતી
ગીર જંગલ માં લીલી ચાદર પથરાઇ
નાઘેર પંથક માં તેમજ જંગલ વિસ્તાર માં સીઝન નો 10 ઇંચ વરસાદ વરસતા જંગલ વિસ્તાર પણ સોળે કલા એ ખીલી ઉઠ્યું હોય તેમ જંગલ વિસ્તાર માં કુદરતે લીલી ચાદર પાથરી હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે.
જામજોધપુરના બુટાવદર માં અઢી ઇંચ વીજળી પડતા ખેડૂત નું મૃત્યુ
જામજોધપુર તાલુકાના બુટાવદર માં આજે સાંજે મેઘરાજા એ ભારે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે અઢી થી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી જતા નદીમાં ઘોડાપુર આવેલ વીજળીના જોરદાર કડાકા ભડાકા વચ્ચે બુટાવદર ના રાજપૂત ખેડૂત કિરીટસિંહ ઝાલા પોતાના ઘરની અગાસી પરથી ઉતરી રહ્યા હતા ત્યાંજ કાળરૂપી વીજળી તેમની માથે પડતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી વાહન માં ઉપલેટા તરફ રવાના થયેલ બાદમાં એકસો આઠ માં તબદીલ કરી ઉપલેટા જતા હતા પરંતુ કિરીટસિંહ ઝાલા નું મૃત્યુ થયેલ હતું અચાનક વીજળી પડતા દુ:ખદ બનાવથી પરિવાર માં શોક વ્યાપી ગયેલ છે.
ખંભાળિયામાં કલ્યાણપુર ભાણવડમાં પોણો ઈંચ સુધી વરસાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આશરે એકાદ સપ્તાહના મેઘ વિરામ બાદ આજરોજ વાતાવરણ પલટાયુ હતું. ખાસ કરીને ખંભાળિયા શહેરમાં આજરોજ સાંજે સાડા ચાર વાગ્યે વંટોળિયો પવન ફૂંકાયો હતો અને ઠેર ઠેર કચરાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. આટલું જ નહીં, વજનમાં હલકી ચીજ વસ્તુઓ ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી ગઈ હતી. આજરોજ સાંજે ખંભાળિયા – ભાણવડ પટ્ટીના માંઝા, ભટ્ટગામ, લલિયા, તથીયા વિગેરે ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ગામોમાં બે થી ત્રણ ઈંચ સુધી વરસાદ વરસી જતા ઠેર ઠેર પૂર જેવા પાણી ચાલી નીકળ્યા હતા. ખંભાળિયા શહેરમાં તેજ ફૂંકાયેલા પવન તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા ઝાપટાથી વાતાવરણ ઠંડુ બની રહ્યું હતું. ભારે પવનના પગલે શહેરનાં કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને લો વોલ્ટેજના પ્રશ્નો પણ ખાડા થયા હતા.
આજરોજ સાંજે કલ્યાણપુર પંથકમાં પણ ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા. તાલુકાના ભાટિયા ગામે આજરોજ સાંજે ધોધમાર વરસાદ વરસતા બજારોમાંથી પાણી વહેવા લાગ્યા હતા. આ ઉપરાંત તાલુકાના લાંબા, હર્ષદ વિગેરે ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. સરકારી ચોપડે કલ્યાણપુર તાલુકામાં 16 મી.મી. વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ભાણવડ તાલુકામાં પણ આજે સાંજે 17 મી.મી. વરસાદ વરસ્યો હતો. જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં આજના આ વરસાદથી ખેતરોમાં પાકને નોંધપાત્ર ફાયદો થશે.
ગડુ પથકમાં એક અઠવાડિયાના વિરામ બાદ 2 ઈંચ વરસાદ
જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના ગડુ સહિત આસપાસના ગામડાઓમાં એક અઠવાડિયાના વિરામ બાદ આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ હતું અચાનક વાતાવરણમાં પલટો આવી બપોર બાદ વરસાદ શરૂ થયો 1 થી 2 ઈંચ વરસાદમાં ગામડાની શેરીઓમાં પાણી ફરી વળ્યા
બગસરામાં ધોધમાર વરસાદ
વિગત અનુસાર બગસરામાં ઘણા દિવસના વિરામ બાદ આજે સવારથી સાંજ સુધીમાં 69 એમએમ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી તેમજ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અસહ્ય બફારા બાદ આજે સવારથી જ ધીમીધારે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ હતી ત્યારે બપોર બાદ ફક્ત બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતા લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી જ્યારે નીચાણ વાળા વિસ્તાર જેવા કે કુકાવાવ નાકા થી લય ને પોલિશ સ્ટેશન સુધી ગોઠણ ડૂબ પાણી ભરાય ગયા હતા જેના હિસાબે વાહન ચાલકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો
કોડીનારના ડોળાસા ગામે વધુ પોણો ઇંચ વરસાદ
કોડીનાર તાલુકાના ડોળાસા વિસ્તાર માં આજે વધુ પોણો ઇંચ વરસાદ થયો છે. ડોળાસા અને આજુબાજુ ના ગામો માં સવારે નવ થી દસ દરમ્યાન ધોધ માર વરસાદ પડ્યો હતો.આ દરમ્યાન 19 મી.મી.વરસાદ નોંધાયો છે.મોસમ ની કુલ વરસાદ 348 મી.મી.( 13 ઇંચ ) થયો છે.સતત વરસાદ થી ખેતરો માં વરાપ નહિ નીકળતા હજુ અનેક ખેડૂતો વાવણી કરી શક્યા નથી.આ વરસાદ થી ડોળાસા ની બજારો માં પાણી દોડવા લાગ્યાં હતાં.
માળીયા હાટીનામાં વિરામ બાદ ફરી મેઘરાજા મેદાનમાં
માળીયાહાટીના માં દસ દિવસ પહેલા વરસાદ પડ્યો હતો તે પછી વરાફ નીકળી હતી આજ ફરી પાછા વરસાદ શરૂ થયો છે આજુબાજુના ગામડામાં પણ વરસાદ પડ્યાના સમાચાર મળે છે જોકે પાત્ર વરસાદ પડતો નથી
માળીયા પંથકમાં વરસાદનો પ્રારંભ
અત્યારે. સાંજે. સાડા સાત વાગ્યા થી માળીયા હાટીના માં ધોધ માર વરસાદ પડે છ સવાર થી ઝાપટાં. આવતા હતા સાંજે સાડા સાત વાગે જોરદાર. પાવન સાથે વરસાદ તૂટી પડ્યો અત્યારે પણ જોરદાર વરસાદ. પડે જ છે નીચાણ વારા વિસ્તારો માં પાણી ભરાય ગયા છે ધરતી પુત્રો રાજી રાજી થઈ ગયા છે અંદાજે. ચાર ઇંચ જેટલું પાણી પડ્યા નો અંદાજ છે
ચિત્તલ જશવંતગઢ પંથકમાં પોણા કલાકમાં 1 થી દોઢ ઇંચ
ચિત્તલ જશવંતગઢ પંથકમાં મોડી મોડી વાવણી પછી આજે દસ દિવસ રાહ બાદ વાવણી પછીનો સારો વરસાદ થતા અસહ્ય ગરમી બફારાથી ગ્રસ્ત ગ્રામજનોમાં રાહતની લાગણી બે દિવસથી માત્ર ઝાપટા તેમજ રૂપે જ આવતા વરસાદે આજે સાંજે પાંચ વાગ્યાથી 5.30 સુધીમાં ધોધ માર વરસી જતાં આશરે 1 થી સવા ઇંચ જેટલું પાણી પડી જતાં ખેડુતોમાં રાહતની લાગણી ફેલાઇ હતી. આ લખાય છે ત્યારે પણ વધારે વરસાદી વાતાવરણ મેઘા ડમ્બર છવાયું છે. રાત્રે આવી શકે છે આજુબાજુના ગ્રામ્યફ વિસ્તારોમાં પણ વરસાદ પડયાના અહેવાલો છે.

આકાશી વીજળીનો કહેર
જામનગર જિલ્લામાં ઝાપટાથી એક ઈંચ વરસાદ, આકાશી વીજળી ત્રાટકતા ત્રણના મૃત્યુ
જામનગર જિલ્લામાં ભારે મેઘાડંબર વચ્ચે ઝાપટા થી અડધા ઈંચ જેટલો વરસાદ થયો હતો. ઉપરાંત અમુક ગામડામાં પણ સારો વરસાદ થયો હતો. જામજોધપુર પંથકમાં વીજળી ત્રાટકતા ત્રણ નાં મૃત્યુ થયા હતા. જ્યારે એક ખેત શ્રમિક યુવાન દાઝી ગયો હતો જામનગરમાં છેલ્લા 24 કલાક મા મેઘાડંબર અસહ્ય બફારા વચ્ચે માત્ર હળવો વરસાદ થયો હતો. જેમાં જામનગર મા 8 મીમી., ધ્રોલમાં 29, મીમી, કાલાવડમાં 15 મીમી , લાલપુર મા 17 મીમી , જોડિયા માં 11 મીમી, અને જામજોધપુર માં કડાકા ભડાકા સાથે 10 મીમી વરસાદ થયો હતો. આ ઉપરાંત અનેક ગામડામાં પણ સારા વરસાદના વાવડ છે. જેમાં હડીયાણામાં 9 મીમી, બાલંભામાં 10 મીમી, જાલીયા દેવાણીયામાં 1પ મીમી, લૈયારામાં 30 મીમી, મોટા વડાળામાં 1પ મીમી, નવાગામમાં 10 મીમી, સમાણામાં 7 મીમી, જામવાડીમાં 1ર મીમી, ધુનડામાં 18 મીમી, ધ્રાફામાં 8 મીમી, પીપરટોડામાં 11 મીમી, મોટા ખડબામાં 8 મીમી અને મોડપરમાં 7 મીમી વરસાદ વરસ્યો છે. આજે પણ વરસાદી માહોલ જળવાયો છે પરંતુ મનમૂકીને મેઘરાજા વરસ્તા નથી. દરમિયાન જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બુટાવદર નજીક આકાશી વીજળી ત્રાટકતા કિરીટસિંહ ઝાલા નામનાં ખેડૂત નું મૃત્યુ થયું હતું. જામજોધપુર તાલુકા મા જ નરમાંણા ગામ મા પણ દેવરખીભાઈ નામનાં ખેડૂત યુવાન નું આકાશી વીજળી થી મૃત્યુ થયું હતું.તેમજ જામનગર તાલુકા નાં દોઢિયા ગામ મા એક ખેત શ્રમીક મહિલા નો આકાશી વીજળી ભોગ લીધો હતો. આમ આજે જામનગર જિલ્લામાં વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ તો થોડો થયો હતો. પરંતુ આકાશી વીજળી ત્રાટકતાં ત્રણ વ્યક્તિ નાં મૃત્યુ થયા હતા.

રિલેટેડ ન્યૂઝ