ફાઈલ કાંડ : અલ્પના મિત્રા અને 9 ઈજનેરોને વધુ એક નોટિસ ફટકારાઈ ખાતાકીય તપાસનો મ્યુનિ. કમિશનરે આદેશ આપ્યો

મહાનગરપાલિકામાં સીટી ઈજનેર તરીકે ફરજ બજાવી નિવૃત થયા બાદ અલ્પના મિત્રાએ તેમના નિવાસ સ્થાને ઈજનેરોને મેન્ટેનન્સના બીલો મંજુર કરવાની ફાઈલો લઈને બોલાવવામાં આવેલ જેની વિગતો બહાર આવતા કમિશનરે વિજીલન્સ તપાસના આદેશ આપેલ જેનો રિપોર્ટ ગઈકાલે આવતા અલ્પના મિત્રા સહિત 10 ઈજનેરોની જવાબદારી ખુલ્લી પડી છે. આથી તમામ સામે ખાતાકીય તપાસના આદેશ આપી તેની સામે પગલા શા માટે ન લેવા તે સહિતના મુદ્દે ફરી એક વખત નોટીસ ફટકારાતા ચકચાર મચી ગઈ છે. અલ્પના મિત્રાના ઘરે પાઈલો લઈને ગયેલા 9 ઈજનેરો શામે વિજીલન્સ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેના રિપોર્ટમાં ખાતાકીય કાર્યવાહી કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આથી અલ્પના મિત્રા અને નવ ઈજનેરો વિરુદ્ધ શિસ્તનાત્મક કાર્યવાહી કરવા માટે ફરી એક વખત નોટીસ આપવામાં આવી છે. તમામ નવ ઈજનેરો પાસે નોટીસ આપી જવાબ માંગવામાં આવ્યો છે. જે આવ્યા બાદ પગલા લેવામાં આવશે તેમ આજે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેશાઈએ જણાવ્યું હતું. આ અંગે મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઈએ જણાવ્યું કે જે રિપોર્ટ રજૂ થયો છે તે મૂજબ સિટી ઈજનેરે ફાઈલો સાથે ઈજનેરોને ઘરે બોલાવ્યા તેમાં નિયમભંગ થયાનું અને 9 એન્જિનિયરો સરકારી રેકર્ડ એવી ફાઈલો ઓફિસ બહાર કાઢીને ઘરે લઈ ગયા તેમાં નિયમભંગ તપાસમાં પ્રાથમિક રીતે જણાયો છે જે અંગે અભ્યાસ કરીને નોટિસ આપવાની પ્રક્રિયા હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે તા. 5 ઓગષ્ટે સાંજે અલ્પના મિત્રાના ઘરે ઈજનેરો ફાઈલો લઈને પહોંચ્યાની વાત કમિશનરને મળતા વિજીલન્સ ટીમ મોકલતા 37 ફાઈલો તથા 58 રજીસ્ટર વગેરે જપ્ત થયા હતા. આ ફાઈલો ત્યાં લઈ જનાર ડે.એન્જિ. કપિલ જોષી, દિવ્યેશ ત્રિવેદી, વી. એચ. ઉમટ, એચ.એમ. ખખ્ખર, અધિક મદદનીશ ઈજનેરો અશ્ર્વીન કણજારીયા, હિરેનસિંહ જાડેજા, દેવરાજ મોરી, આસિ.એન્જિનિયર રાજેશ રાઠોડ અને વર્ક આસિ.અંકિત તળાવીયા એ 9 ઈજનેરોના નામ પણ જાહેર થયા હતાં અને વીજીલન્સ તપાસ કરવામાં આવેલ જેનો રિપોર્ટ ગઈકાલે આવી જતાં આ તમામ ઈજનેરો સામે પણ શિસ્તભંગના પગલા તોળાઈ રહ્યા છે. અને આજે ફરી એક વખત નોટીસ આપી તમામ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. જે આવી ગયા બાદ અલ્પના મિત્રા અને ઈજનેરો વિરુદ્ધ પગલા લેવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ