બેડી નાકા વિસ્તારના શહેરના પ્રખ્યાત સાર્વજનિક ગણેશોત્સવમાં ગણેશજીને 551 મીટરની લાંબી પાઘડી પહેરાવાશે અને આશરે 1100 કિલોનો મોદક ધરાશે
જામનગરમાં બેડી નાકા વિસ્તારમાં ભારતી લોજવાળી શેરીમાં 27 વર્ષથી દગડુ શેઠ સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે 28 માં ગણેશોત્સવની ઉજવણી દરમિયાન વધુ બે વિશ્વ વિક્રમ નોંધાવવા આ ગણેશોત્સવના આયોજક એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
શહેરના દગડુ શેઠ ગણપતિ મહોત્સવ 28 વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. આ ગણપતિ મહોત્સવ દર વર્ષે અલગ રીતે જ આયોજીત કરવામાં આવે છે. આ વર્ષે ગણેશ સ્થાપના તા. 7.9.2024 થી 17.9.2024 સુધી કરવામાં આવશે.
આ મહોત્સવની અંદર જે મૂર્તિ બનાવવામાં આવી છે, તે સંપુર્ણ રીતે પ્રદુષણ રહિત છે, જેમાં કંતાન સફેદ કાપડ, પુંઠા, વાસ, સુતરી, રેતી, દોરા અને અનાજ (ચોખા-8 કિલો જુવાર-5 ઘઉં-5 અને બાજરી 3 કિલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગણપતિ મહોત્સવનું આયોજન એઇટ વન્ડર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. જેમણે સતત આઠ વખત ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મેળવેલ છે. એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા વર્ષ 2012 માં 145 કિ.ગ્રા. ની ભાખરી બનાવી હતી, તેમજ વર્ષ 2013માં 11111 લાડુ, વર્ષ 2014 માં 51.6 ફૂટની અગરબત્તી તથા વર્ષ 2015 માં ફિંગર પેન્ટિગ જેમાં ગણેજીનું પેન્ટીંગ બનાવ્યું હતું. તેમજ વર્ષ 2017 માં સાત ધાનનો ખીચડો બનાવી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. આ એઈટ વન્ડર્સ ગ્રુપ ગત વર્ષોની જેમ આ વર્ષે પણ વિશિષ્ટ પ્રકારના આયોજન કરવા તરફ આગળ વધી રહ્યું છે. આ વર્ષે વિશ્વની સૌથી મોટામાં મોટી 551- મીટરની પાઘડી ગણપતિજીને પહેરાવવામાં આવશે તેમજ ગણપતિજીતને પ્રસાદ રૂપી 11000 કિલોનો મોદક (લાડુ) બનાવીને ધરવામાં આવશે. જે બંને વિક્રમ સ્થાપીને વિશ્વની અંદર જામનગરનું નામ રોશન કરવામાં આવશે. એઈટ વન્ડર્સ ગ્રુપના સભ્યોમાં કેવલસિંહ રાણા, દિલીપભાઈ વોરલીયા, નિલેષસિંહ પરમાર, કલ્પેશ તથા સતીશ વાડોલિયા, પ્રિયંક શાહ, જયેરા જોશી, યોગેશભાઈ કણઝારિયા, કપિલ સોલંકી, પ્રતાપસિંહ ચૌહાણ, ભરતસિંહ તથા જયરાજસિંહ
(રજવાડા સાફા, ક્રિએશન), વિજયસિંહ, જીતુભાઈ તથા દિપકભાઈ ગઢવી, મિતેષ ભાઈ (બનાસ), હરીભાઈ, ગોપાલભાઈ ભટ્ટ, હિતેશભાઈ શાહ વિપુલ પીઠડીયા વગેરેનો સમાવેશ થાય છે.