મણના પચાસનો ભાવ હોવાથી મજૂરીના પૈસા પણ મળતા ન હોવાની વ્યથા ઠાલવી
કમોસમી વરસાદ અને પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે ખેડૂતોની હાલત બદ થી બદતર થઈ જવા પામી છે. માવઠા ને કારણે મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયા બાદ હવે ખેત પેદાશોનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ની સ્થિતિ વિકટ બની છે.
ધોરાજી ના વેગડી ગામ નજીક આવેલ ખેતર ધરાવતા ધોરાજીના ખેડૂતે અશ્વિન ભાઈ બાલધાએ છ વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. જે ડુંગળીનો પાક પેદાશ આવી જતા મજૂરી જેટલા પૈસા ન મળતા હોવાથી ખેડૂતે ભારે હૈયે પોતાની ડુંગળીના મોલ પર રોટવેટર ચલાવી ખેતર સાફ કરી નાખ્યું હતું.ખેડૂત અશ્વિન ભાઈ એ જણાવેલ કે છ વીઘા જમીનમાં સારા ઉત્પાદન અને પોષણક્ષમ ભાવની આશાએ ડુંગળીનું વાવેતર કર્યું હતું. મોંઘુ બિયારણ, દવાઓ, મજૂરી થી લઈને લાખો નો ખર્ચ કરી દિવસ રાત પરસેવો પાડ્યા પછી જ્યારે ડુંગળીની પાક તૈયાર થઈ ગયો ત્યારે ડુંગળીના પ્રતિ મણ દીઠ પચાસ થી સાંઇઠ રૂપિયા ભાવ મળતો હોવાથી ડુંગળી ઉપાડવાની મજૂરી જેટલા પણ પૈસા ન મળતા હોવાથી ડુંગળી વેચવાને બદલે ખેતરમાં ટ્રેક્ટર ફેરવી ખેતર સાફ કરી નાખ્યું હતું. હાલ ખેડૂતો ને બજાર માં ડુંગળી ના પ્રતિ મણ ના 60 થી 80 રૂપિયા મળી રહ્યા છે. જે ઉત્પાદન ખર્ચ કરતા નીચા ભાવ હોવાથી ખેડૂતો માટે ભારે નુકશાની જોવા મળી રહી છે. આ મામલે ખેડૂત એ વિડિઓ બનાવી અને સોશિયલ મીડિયા માં વાયરલ કરી અન્ય ખેડૂતો ને પૂરતા ભાવ મળે માટે સરકાર વ્યવસ્થા કરે એવી કરી માગણી ઉચ્ચારી હતી.
