શિક્ષકો, આચાર્ય, બીઆરસી કો-ઓર્ડીનેટર સહિતનાઓ દ્વારા ડોર ટૂ ડોર સર્વેક્ષણ હાથ ધરાશે
સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા- જુદા કારણોથી શાળા છોડી ગયેલા કે અન્ય કારણોસર શાળાએ ન જતા 6 થી 18 વર્ષની વય જૂથના બાળકો જેઓ કોઈ કારણોસર પોતાનું ધોરણ 1 થી 12 નું શિક્ષણપૂર્ણ કરી શક્યા નથી તેવા બાળકોનો સર્વે કરી તેમની ઓળખ, નામાંકન અને મુખ્યધારા માં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવામાં આવી રહી છે.
આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષણાધિકારી અશોક પટેલ ના માર્ગદર્શન હેઠળ 6 થી 18 વર્ષની વય નુ કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટેનુ અભિયાન હાથ ધરાયું છે. આ કામગીરી અંતર્ગત શિક્ષકો, આચાર્ય બીઆરસી કો-ઓર્ડીનેટર સહિતના શૈક્ષણિક સ્ટાફ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અભ્યાસ અધૂરો મુકી શાળાએ ન જતા કુલ 232 છાત્રાઓ મળ્યાં હતાં. જેમને તુરંત પુન: અભ્યાસ માટે જે-તે શાળામાં બેસાડવામાં આવ્યાં છે.
આ સર્વેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, 6 થી 18 વર્ષની વયના કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને દરેકને ફરી શાળાની મુખ્યધારા સાથે જોડવામાં આવે અભ્યાસ છોડવા બદલના કારણોમાં વાલીઓની જાગૃતતાનો અભાવ તેમજ બાળકોને અભ્યાસ છોડાવી મજૂરી કામે લઈ જતા હોય તેવું ધ્યાને આવ્યું હતું.
જો કોઇપણ લોકોને જે અભ્યાસ અધૂરો છોડી શાળાએ ન જતુ હોય તેવુ બાળક દેખાય તો તુરંત નજીકની સરકારી શાળા, ક્લસ્ટર અથવા તાલુકા કક્ષાના બીઆરસી ભવન ખાતે જાણ કરવા જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે.