Jai Hind

સુત્રાપાડામાં પોલીસ તથા આર્મી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ગ્રાઉન્ડનો અભાવ-યુવાનોમાં રોષ

ચીફ ઓફિસર, મામલતદારને લેખિતમાં રજૂઆત કરાઈ

સુત્રાપાડા મુકામે પોલીસ ભરતી તથા આર્મીની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે જરૂરી દોડ અને પ્રેક્ટિકલ પ્રેક્ટિસ માટે યોગ્ય ગ્રાઉન્ડ ન હોવાના કારણે સ્થાનિક યુવાનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સરકાર દ્વારા રાજ્યના વિવિધ ગામો તથા તાલુકાઓમાં પોલીસ અને આર્મી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ગ્રાઉન્ડ ફાળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના મહત્વપૂર્ણ તાલુકા મથક એવા સુત્રાપાડામાં આજદિન સુધી આવો કોઈ ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યો નથી, જે ગંભીર બાબત બની રહી છે. સુત્રાપાડા તાલુકાના ઉપલાપાડા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાઓ પોલીસ તથા આર્મીની ભરતીની તૈયારી કરી રહ્યા છે, પરંતુ દોડ, ફિઝિકલ ટ્રેનિંગ તથા અન્ય પ્રેક્ટિકલ તૈયારી માટે યોગ્ય સ્થળના અભાવે ઉમેદવારોને જાહેર રસ્તાઓ, ખાલી પ્લોટો અથવા દૂરના ગામોમાં જવા મજબૂર થવું પડે છે, જે સલામતી અને સમય બંને દ્રષ્ટિએ જોખમી સાબિત થાય છે.આ ગંભીર સમસ્યા અંગે સુત્રાપાડા નગરપાલિકાના ચીફ ઓફિસર વતી નગર પાલિકાના પ્રમુખ મનોહરસિંહ બારડ તેમજ સુત્રાપાડા મામલતદાર ને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. હાલ કોઈ નક્કર કાર્યવાહી કે ગ્રાઉન્ડ ફાળવવાની જાહેરાત ન થતા ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક યુવાનોની માંગ છે કે સુત્રાપાડા મુકામે તાત્કાલિક ધોરણે પોલીસ તથા આર્મી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે યોગ્ય ગ્રાઉન્ડ ફાળવવામાં આવે, નહિ તો આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.