Jai Hind

ભાણવડની પશુ સેવા સંસ્થા દ્વારા ઈજાગ્રસ્ત નીલગાયનું સફળ રેસ્ક્યુ સારવાર બાદ કુદરતી આવાસમાં મુક્ત કરાઈ

ભાણવડ નજીકના આંબરડી ગામે રાત્રિના સમયે બે નર નીલગાય વચ્ચે થયેલી અથડામણમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ એક નીલગાયને એનિમલ લવર્સની ટીમ દ્વારા સમયસર રેસ્ક્યુ કરી, સઘન સારવાર આપી પુન: જંગલમાં મુક્ત કરવામાં આવી છે.
શનિવારે રાત્રિના સમયે આંબરડીના સીમ વિસ્તારમાં બે નીલગાયો વચ્ચે વર્ચસ્વની લડાઈ થઈ હતી. આ અથડામણમાં એક નીલગાયના બંને શિંગડા તૂટી જવાથી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. સ્થાનિક ગ્રામજનોએ આ અંગેની જાણ ભાણવડના અશોકભાઈ ભટ્ટને કરતાં તુરંત જ એનિમલ લવર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ પશુ સેવા સંસ્થાના સભ્યો દ્વારા ભારે જહેમત બાદ ઈજાગ્રસ્ત નીલગાયને સુરક્ષિત રીતે ટ્રેપ કરી તેને તાત્કાલિક શિવ બળદ આશ્રમ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં પશુ ચિકિત્સક ડો. શિવમ વીસાવાડીયા અને ડો. દત્ત દેસાઈ દ્વારા નીલગાયના ઘા પર ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું અને જરૂરી એન્ટીબાયોટીક્સ તેમજ પેઈન કિલર ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા ત્યારબાદ આ નીલગાયને બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાઇ હતી.
આ રેસ્ક્યુ ઓપરેશનમાં એનિમલ લવર્સ ગ્રુપના પ્રમુખ અશોકભાઈ ભટ્ટ, હરીશ વાઘેલા, મેરામણભાઈ, અક્ષય સૂચક, અનિલ પરમાર અને વિશાલ ભરવાડ જોડાયા હતા. આ સ્થળે પર હાજર લોકોને વન્યજીવોનું રક્ષણ એ આપણી સહિયારી જવાબદારી છે. જ્યારે પણ કોઈ વન્યજીવ ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળે, ત્યારે તાત્કાલિક વન વિભાગ કે સ્થાનિક રેસ્ક્યુઅર સંપર્ક કરવા વિનંતી કરાઈ હતી.