દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલું કેશોદ ગામ વિકાસ, સ્વચ્છતા, સુવ્યવસ્થા અને લોકભાગીદારીના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ સાથે રાષ્ટ્રીય કક્ષાએ ઓળખ ઉભી કરી રહ્યું છે. આ સરાહનીય કામગીરી બદલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કેશોદ ગામને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીના શુભેચ્છા સંદેશ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર તથા ખંભાળિયા તાલુકાના પ્રાંત અધિકારી દ્વારા આજે કેશોદ ગામની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીનો શુભેચ્છા સંદેશ કેશોદ ગ્રામ પંચાયતની ટીમ તથા સરપંચ રંજનબેન કશ્યપભાઈ આહીરને પ્રત્યક્ષ પાઠવવામાં આવ્યો હતો.
કેશોદ ગામે સરપંચ રંજનબેન આહીરના નેતૃત્વ હેઠળ સ્વચ્છતા અભિયાન, પીવાના પાણીની સુવ્યવસ્થા, શિક્ષણક્ષેત્રે સુધારણા, મહિલા સશક્તિકરણ, આરોગ્ય સેવાઓ તથા વિવિધ સરકારી યોજનાઓના અસરકારક અમલ દ્વારા સર્વાંગી વિકાસનો મજબૂત મોડેલ ઊભો કર્યો છે. ગ્રામ પંચાયતની ટીમ, સ્વયંસેવકો અને ગ્રામજનોના સહકારથી કેશોદ ગામ આજે રાષ્ટ્રીય આદર્શ ગામ તરીકે ઓળખ મેળવતું જઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ ગામે સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રે સતત ઉત્કૃષ્ટ કામગીરી કરી છે, જેના કારણે ગ્રામ્ય જીવનમાનમાં નોંધપાત્ર સુધારો થયો છે. મહિલા સ્વચ્છતા સમિતિ, પીવાના પાણીનું સુચારુ સંચાલન અને સામાજિક ભાગીદારી જેવા પ્રયાસોએ કેશોદને અન્ય પંચાયતો માટે અનુસરણયોગ્ય ઉદાહરણ બનાવ્યું છે. મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલો આ શુભેચ્છા સંદેશ કેશોદ ગ્રામ પંચાયત માટે ગૌરવનો વિષય છે તેમજ અન્ય ગ્રામ પંચાયતોને વિકાસ માટે પ્રેરણા આપનાર બની રહેશે. કેશોદ ગ્રામ પંચાયત દ્વારા મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર તથા પ્રાંત અધિકારીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કેશોદ ગામ આજે સાબિત કરી રહ્યું છે કે દ્રઢ નેતૃત્વ, આયોજનબદ્ધ વિકાસ અને લોકભાગીદારીથી ગ્રામ વિકાસની નવી દિશા સર્જી શકાય છે.