Jai Hind

મદારગઢ ગામની સીમમાં પોલીસનો દરોડો કાળા પથ્થરના ખોદકામનો પર્દાફાશ

તાલુકાના ખનીજ પ્રભાવિત વિસ્તારોમાં બેફામ બનેલા ખનીજ ચોરો દ્વારા થતા બ્લેક્ટ્રેપ ખનીજ ના ગેરકાયદે ખોદકામ ની ઉઠેલી ફરિયાદો ને લઈ સ્થાનિક પોલીસ ની ટીમ દ્વારા મદારગઢ ગામની સીમમાં ઓચિંતો છાપો મારતાં કાળા પથ્થર ના મબલક ખોદકામ નો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી છે.
સૂત્રો પાસેથી વધુમાં મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા મદારગઢ ની સીમમાં ચાલતી બે પથ્થરની ગેરકાયદે ખાણ પર થી 14 ડમ્પર, ત્રણ એક્ષવેટર મશીનો સહિત ત્રણ કરોડ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાતા ખનીજ ચોરો માં ફ્ફ્ડાટ નો માહોલ છવાઇ જવા પામ્યો હતો.પોલીસ દ્વારા કરાયેલ કાર્યવાહી દરમ્યાન ખનીજ માફીયાઓ માં નાસભાગ મચી જવા પામી હતી તેમજ કેટલાક ડમ્પરોના ડ્રાઇવરો ઝડપાયા હોવાની પણ વિગતો મળી રહી છે.
સાયલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી.ચુડાસમા તથા ટીમે કરેલ દરોડા બાદ ખનીજ વિભાગને જાણ કરાઇ હતી.મધરાત સુધી ચાલેલી કામગીરી દરમ્યાન મોડી રાત્રે વાહનો સહિતનો મુદ્દામાલ સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ ની દેખરેખ હેઠળ સીઝ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઇ છે ત્યારે આ સ્થળે કેટલા સમય થી ગેરકાયદે ખોદકામ ચાલતું હતું..?, કોના દ્વારા કરાતું હતું..? સહિતના અનેક સવાલો વચ્ચે સ્થાનિક પોલીસ ના દરોડા થી જવાબદાર ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
આગામી સમયમાં ખનીજ વિભાગ દ્વારા આ બાબતે કેવા પ્રકારની દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સહુની મીટ મંડાયેલી છે ત્યારે પોલીસના ગેરકાયદે ખનન, વાહનો પરના ઓચિંતા સપાટાથી તંત્રના ડર વગર બેફામ ખનીજનો ગેરકાયદેસર વેપલો કરતા તત્વોએ પોતપોતાની માયા સંકેલી ભૂગર્ભમાં ઉતરી ગયાના વાવડ મળી રહ્યા છે.