Jai Hind

તાલાલા કડવા પાટીદાર સમાજ અતિથિ ભવન-2નું લોકાર્પણ: સમાજ એકતાની મુક્ત કંઠે પ્રસંશા


ઉમા જ્યોતિ રથ રજતજયંતિ ઉજવાઈ: સમાજના દાનવીરોનું અગ્રણીઓએ શાલ ઓઢાડી સન્માન કર્યું

ગીરના પાટનગર તાલાલા શહેરમાં 43 વર્ષથી કાર્યરત કડવા પાટીદાર સમાજમાં રૂ.1 કરોડ 50 લાખના ખર્ચે નવનિર્મિત બંધાયેલ ઉમા અતિથિ ભવન-2 નું લોકાર્પણ તથા ઉમા જ્યોતિ રથ રજતજયંતિ ઉજવણી તથા દાતાઓને સન્માનિત કરવાનો સમાજનો ગૌરવવંતો કાર્યક્રમ સીદસર ઉમીયા માતાજી મંદિરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી નાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
અતિથી ભવનનાં મુખ્ય દાતા સુરેશભાઈ જાવિયા નાં વરદહસ્તે દિપ પ્રાગટય કરી ઉમિયા માતાજીના જય ઘોષ સાથે શુભારંભ થયેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટના સાંસદ અને પૂર્વ કૃષિ મંત્રી પરસોતમભાઈ રૂપાલા એ સામાજીક પ્રસંગોમાં થતાં ખોટાં ખર્ચાઓ બંધ કરી સંયુક્ત કુટુંબમાં રહેવા ઉપર ભાર મુકતા જણાવ્યું હતું કે બાળકો માટે માતા સર્વસ્વ છે…માતાઓનો કાયમી આદર કરી દરેક કાર્યક્રમમાં મહીલાઓને અગ્રતા આપવા જણાવ્યું હતું.
સીદસર ઉમીયા માતાજી મંદિરના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા એ યુવાનોને સોશિયલ મીડિયા કરતા પુસ્તકો નો વધુ ઉપયોગ કરવા અપીલ કરી હતી.ગાંઠીલા ઉમીયા માતાજી મંદિરના પ્રમુખ નિલેશભાઈ ઘુલેશીયા એ જગતમાં ઉજળાં રહેવા માટે એકત્રિત રહેવા ઉપર ભાર મૂક્યો હતો.કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મૌલેશભાઈ ઉકાણી એ તાલાલા વિસ્તારમાં સમાજ એકતાની મુક્ત કંઠે પ્રશંસા કરી એકતા અને અખંડિતતા કાયમી અંકબંધ રાખવા સમાજને અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે 28/02/1983 થી સ્થાપના થયેલ સમાજની ચાર દાયકાની વિકાસગાથા ની વિસ્તૃત વિગતો થી સૌને અવગત કરતા કેળવણીકાર ધીરૂભાઈ મકવાણા એ સ્વાગત પ્રવચન કરી સૌને ઉમળકાભેર આવકાર્યા હતાં.અતિથી ભવનના મુખ્ય દાતા સુરેશભાઈ જાવિયા તથા પરિવાર સહિત તમામ દાતાઓનું અગ્રણીઓએ શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી સન્માન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ ઝુલાસણા, હિતેન્દ્રભાઈ કાલરીયા એ કર્યું હતું.તાલાલા સમાજના પ્રમુખ કિરીટભાઈ કમાણી, મેનેજીંગ ટ્રસ્ટી પ્રભુદાસભાઈ ત્રાંબડીયા ની રાહબરી હેઠળ સમાજના અગ્રણીઓ, યુવાનોએ કરેલ ભવ્ય આયોજન થી કાર્યક્રમ સફળતાપૂર્વક દિપી ઉઠ્યો હતો.આ કાર્યક્રમમાં ગીર પંથક સમાજના મોભી નરસીબાપા મકવાણા, માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, માળીયા કડવા પટેલ સમાજ પ્રમુખ દેવજીભાઈ બેરા ઉપરાંત રાજકોટ, કેશોદ, જુનાગઢ, મોરબી, માણાવદર, વેરાવળ, ઉના, જામજોધપુર, માળીયા તથા તાલાલા વિગેરે તાલુકામાંથી સમાજના અગ્રણીઓ કાર્યક્રમ દિપાવવા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

ઉમા અતિથિ ભવન-2ની સુવિધા
ઉમા અતિથિ ભવન-2 સંપૂર્ણ સુવિધા થી સજ્જ બનાવવામાં આવેલ છે.અતિથી ભવનમાં આધુનિક 19 એ.સી રૂમ છે.સમાજમાં યોજાતાં સામાજીક પ્રસંગો તથા આ વિસ્તારમાં આવતા ટુરીસ્ટો માટે અતિથિ ભવન આશિર્વાદરૂપ બનશે.