રાષ્ટ્રીય શાયર મેઘાણીના વડવાઓનાં વતન બગસરામાં મોરારિબાપુના શ્રીમુખે મેઘાણી માનસ કથાનું આયોજન


મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી લોક ગાયક અભેસિંહ રાઠોડ, મોરારિબાપુને મળવા તલગાજરડા પહોચ્યા

મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવભર્યા બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર અને સ્વાતંત્ર્ય સેનાની ઝવેરચંદ મેઘાણીની પુણ્યસ્મૃતિમાં એમના વડવાઓના વતન બગસરા (જિ.અમરેલી) ખાતે 7 થી 15 માર્ચ 2026 દરમિયાન કથાકાર પૂ. મોરારિબાપુના શ્રીમુખે દિવ્ય અને માનસ મેઘાણી કથાનું આયોજન કરાયું છે. મેઘાણીબાપાની કથા માટે પોતાના અંતરનો સવિશેષ મનોરથ છે તેવી લાગણી મોરરિબાપુએ વ્યક્ત કરી છે. વિશ્વભરમાં વસતાં દરેક ગુજરાતીનું મન મોર બનીને થનગાટ કરતું હોય તેમ પ્રતિત થાય છે. કથા દરમિયાન ઝવેરચંદ મેઘાણીની 79 મી પુણ્યતિથિ 9 માર્ચના રોજ છે તેથી આનું વિશેષ મહત્વ છે. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી તથા મેઘાણી-ગીતોના વિશ્વવિખ્યાત લોકગાયક અભેસિંહ રાઠોડએ મહુવા – તલગાજરડા સ્થિત ચિત્રકૂટધામ ખાતે પૂ. મોરારિબાપુ સાથે લાગણીસભર મુલાકાત કરી હતી. માનસ મેઘાણી કથા બદલ પૂ. મોરારિબાપુનો હૃદયથી આભાર માન્યો હતો. કથાના મનોરથી અમેરિકા સ્થિત હર્ષાબા ગોહિલ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત ચોટીલા (જન્મભૂમિ) તથા ધંધુકા (શૌર્યભૂમિ) ખાતે ઐતિહાસિક મેઘાણી સ્મૃતિ સ્થળોમાં પાવન પગલાં પાડવા પૂ. મોરારિબાપુને પિનાકી મેઘાણીએ ભાવભરી વિનંતી કરી છે. ગત વર્ષે રાજકોટ-સદર સ્થિત ઐતિહાસિક રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નંબર 8 ની મુલાકાતે પૂ. મોરારિબાપુ પધાર્યા હતા જે ખાસ ઉલ્લેખનીય છે.

રિલેટેડ ન્યૂઝ