ઈરાકના વેપારી સાથે કરોડોની છેતરપિંડી કર્યાના કેસમાં પેઢીના પ્રોપરાઈટરના આગોતરા મંજુર

તલ અને મગફળી એકસપોર્ટ કરવાના નામે નાણા લઈ દંપતીએ ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ’તી

ઈરાકના વેપારી પાસેથી તલ અને મગફળી એકસપોર્ટ કરવાના નામે કરોડો રૂપીયા લઈ છેતરપીંડી કરવાના ગુનામાં પોલીસ ધરપકડની દેહશતથી ઉર્વીષ પટેલે કરેલી આગોતરા જામીન અરજી ગોંડલ સેશન્સ કોર્ટે મંજુર કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ ઈરાક ખાતે રહેતા અબ્દુલા રજાક રાઘી નામની પઢીના સંચાલક સાથે ગોંડલની પેઢીના પ્રોપરાઈટર સોનલબેન પટેલ અને ઉર્વિશ પટેલે સોશ્યલ મીડીયાના માધ્યમથી સંપર્ક કેળવી તલ અને મગફળીના ફોટા અને વિડીયો મોકલી સારી ગુણવતા વાળો માલ હોવાનું જણાવી અબ્દુલા રજાક રાધીને વિશ્વાસમાં લઈ કોન્ટ્રાકટ સાઈન કરેલ અને 54 મેટ્રીક ટન તલ અને 108 મેટ્રીક ટન મગફળી પેટે સોનલ પટેલ અને ઉર્વીષ પટેલે રૂા.1,63,79, 621 રકમ સોનલ પટેલના બેંક એકાઉન્ટમાં એડવાન્સ ટ્રાન્સફર કરાવી અબ્દુલા રજાક રાધીને માલ કે પેમેન્ટ પરત ન આપ્યા હતા. જેથી સોનલ પટેલ અને તેના પતિ ઉર્વીષ પટેલ વિરૂધ્ધ ગોંડલ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. જે ગુનામાં ઉર્વીષ પટેલે પોલીસની ધરપકડથી બચવા પોતાના એડવોકેટ મારફતે સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જે અરજીની સુનાવણી હાથ ધરવામાં આવતા આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં હતી કે ફરિયાદ અંદાજે 18 મહિના બાદ દાખલ કરવામાં આવી છે. આરોપીએ વેપારી પાસેથી તલ અને મગફળીની ખરીદી કરી એકસપોર્ટ કરવા માટે ઓર્ડર આપેલ હતો તેના ખાતામાં પૈસા પણ જમા કરેલા હતા. વેપારીનુ એકાઉન્ટ ફ્રીઝ થતા માલ અટકી પડેલ હતો જેથી છેતરપિંડીનો કોઈ ઈરાદો ન હોવાનું ફરીયાદી બતાવી શકતા નથી ત્યારે સર્વોચ્ચ અદાલતના પાંચ જજોની ખંડપીઠ દ્વારા આપવામાં આવેલ આગોતરા જામીન સંદર્ભેનો ચુકાદો હાલના કેસને સીધો લાગુ પડતો હોય જેથી આગોતરા જામીન આપવા વિસ્તૃત દલીલો કરી હતી. બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ઉર્વીષ પટેલને કસ્ટોડીયલ ઈન્ટરોગેશનની જરૂરીયાત ન હોવાનું ઠરાવી પોલીસ તપાસમાં સહકાર આપવા અને પાસપોર્ટ જમા કરાવવાની શરતે આગોતરા જામીન મંજૂર કરતો હુકમ ફરમાવ્યો છે.
આ કામમાં આરોપી વતી ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા અને કેવિન ભીમાણી રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ