Jai Hind

દ્વારકાધીશ મંદિર આસપાસ ટોયલેટ યુરિનલની વ્યવસ્થા ઉભી કરવા પાલિકાને રજૂઆત

દ્વારકાધીશના દર્શને આવતા લાખો દર્શનાર્થીના હિતાર્થે માંગ

યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. આ પરિસ્થિતિમાં જગતમંદિર આસપાસ હાલમાં ટોયલેટ-યુરિનલની વ્યવસ્થા ન હોય, યાત્રિકની સુખાકારી માટે દ્વારકા નગરપાલીકાના સભ્ય દ્વારા પાલીકાને સુવિધા ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરવામાં આવી છે.દ્વારકા નગરપાલીકાની કારોબારી સમિતિના સભ્ય દ્વારા નગરપાલીકાની જનરલ બોર્ડની બેઠકમાં ઉપરોક્ત મુદ્દે રજૂઆત કરતા જણાવ્યું હતું કે દ્વારકામાં દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ જગતમંદિરે કાળિયા ઠાકોરના દર્શનાર્થે આવે છે. તેમ છતાં જગતમંદિર આસપાસના અંદાજિત 500 મીટરના ક્ષેત્રમાં યાત્રીકો માટે ટોયલેટ કે યુરીનલની વ્યવસ્થા હાલ લાંબા સમયથી ઉપલબ્ધ નથી. જેના કારણે યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જગતમંદિરમાં આવતા યાત્રાળુઓના ભીડભાડવાળા વિસ્તારોમાં જે પહેલા ટોયલેટ-યુરિનલની સુવિધા ઉપલબ્ધ હતી, તે પણ સમયાંતરે સ્વચ્છતા અથવા ટ્રાફીક કે અન્ય કારણોસર દૂર કરવામાં આવી છે. પરિણામે દ્વારકાધીશ મંદિરે આવતા યાત્રાળુઓને આ પાયાની સુવિધા મળતી ન હોય વ્યાપક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલમાં સ્મશાન પાસે એક સુલભ સુવિધા નિર્માણાધીન છે. જે પણ મંદિરથી ખૂબ દૂર છે. આથી જગતમંદિર આસપાસ યાત્રિકોના ભીડભાડવાળા વિસ્તારો, ગોમતી ઘાટ, શાક માર્કેટ, પાર્કિંગ સહિતના સ્થળો પર મુસાફરોની સુખાકારી માટે નવા ટોયલેટ, યુરિનલની વ્યવસ્થા કાયમી ધોરણે અથવા તો મોબાઈલ વાનની સુવિધા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.હાલ શહેરના અન્ય ભાગોમાં આવેલ મુતરડી-ટોયલેટ બ્લોકની હાલત પણ નિયમિત સફાઈના અભાવે બિસ્માર અને ગંદકીભરી હોય, જેની પણ તાત્કાલીક ધોરણે સફાઈ કરી, નિયમિત જાળવણી કરવા અને સ્વચ્છતા જાળવવામાં આવે તો યાત્રાળુઓને ફરવાલાયક અને સ્થાનિકોની આ કાયમી સમસ્યાનો નિકાલ આવે તે અંગે યોગ્ય કાર્યવાહી માટેની રજૂઆત કરાઈ છે.