તાલાલા નગરમાંથી પસાર થતી હિરણ નદીના પુરના પાણી નગરમાં પ્રવેશતા અટકાવવા રૂ.30 લાખના ખર્ચે પુર સંરક્ષણ દિવાલ બનશે
તાલાલા નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના પ્રમુખ ઉષાબેન લક્કડના અધ્યક્ષ સ્થાને ચીફ ઓફિસર દેવીબેન ચાવડા ની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.આ બેઠકમાં નગરની સુવિધા માટે ઘટતી લોક ઉપયોગી વિકાસની કામગીરી કરવા નિર્ણયો લેવામાં આવ્યા હતા તેમજ નગરમાં જન સુખાકારી માટેની સવલતો ઉભી કરવા સરકાર સમક્ષ માંગણી કરતા ઠરાવો કરવામાં આવ્યા હતાં.તાલાલા નગરપાલિકાના અધિકારી સુરેન્દ્રભાઈ ખેતાણીએ આપેલ વિગત પ્રમાણે તાલાલા નગરના સાસણ રોડ પાસેથી પસાર થતી હિરણ નદીમાં ચોમાસામાં પૂરનું પાણી નગરમાં પ્રવેશતું અટકાવવા પેટ્રોલ પંપથી સરકારી ક્વાર્ટર સુધીના નદીના કાંઠા ઉપર રૂ.30 લાખના ખર્ચે પુર સંરક્ષણ દિવાલ બનાવવા…નગરના વિવિધ શેરી મહોલ્લામાં સાત વર્ષ પહેલા બનાવેલ જૂના માર્ગોની રૂ.40 લાખના ખર્ચે મરામત કરવા…નગરના વિવિધ શેરી મહોલ્લામાં દિવાલો ઉપર લગાવેલ સ્ટ્રીટ લાઈટો દૂર કરેલ તેની જગ્યાએ રૂ.75 લાખના ખર્ચે એલ.ઇ.ડી પોલ ઉભા કરવા..નગરની વિવિધ નવી વસાહતોમાં આવેલ સાર્વજનિક પ્લોટનો જીર્ણોધ્ધાર કરવા 20 ટકા લોકફાળા સાથે સાર્વજનિક પ્લોટ માં વિકાસ કામગીરી કરવા…નગરની આમ જનતા માટે અતિ ઉપયોગી નવનિર્મિત લાઇબ્રેરી બનાવવા…રૂ.90 લાખ બચત ગ્રાન્ટમાંથી વિકાસ કામગીરીનું આયોજન…નગરમાંથી ગાયો તથા નંદી ને દૂર કરવા જરૂરી સાધનો ખરીદવા…વિગેરે નગર તથા નગરજનોની સુવિધા માટે ઉપયોગી કામગીરી માટે સર્વાનુમતે ઠરાવો કરવામાં આવ્યાં હતા.આ બેઠકમાં ઉપપ્રમુખ પરેશભાઈ રાયચુરા,નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ઉનડકટ,ભુપતભાઈ હિરપરા,સ્ટેનિ્ંડગ કમિટીના ચેરમેન દિલીપભાઈ બોરીચા સહિત પાલિકાના 24 માંથી 20 સભ્યોએ ભાગ લીધો હતો.
તાલાલા નગરમાંથી પસાર થતી વીજ લાઈન અંડરગ્રાઉન્ડ કરો
તાલાલા નગરમાંથી પસાર થતી વીજ લાઈન તૂટવાના વારંવાર બનાવો બને છે.આ બનાવો ભવિષ્યમાં નગરજનો માટે આફત રૂપ બને નહીં માટે નગરમાંથી પસાર થતી તમામ વીજલાઈન અંડરગ્રાઉન્ડ કરવા તથા નગરમાં ગાયો તથા નંદીની સંખ્યામાં અવિરત વધારો થતો જાય છે જે નગરજનો માટે મુશ્કેલી ઉભી કરે છે માટે નગરમાં રખડતી ગૌમાતા તથા નંદી ને નગરથી દૂર રાખવા સરકારી ગૌચરની જમીનમાંથી જમીન નીમ કરી આપવા…ઉપરાંત નગરની બિલકુલ બાજુમાં રમળેચી ગીર અને ગલીયાવડ ગીર ગામ આવેલ છે.બંને ગામની માનવ વસાહત નગર સાથે ભળી ગયેલ છે.આ માનવ વસ્તીને પીવાનું પાણી,સ્ટ્રીટ લાઈટ અને સફાઈ જેવી રોજીંદી ઉપયોગી પ્રાથમિક સવલતો સરળતા થી મળે માટે બંને ગામનો નગરની આજુબાજુમાં આવેલ વિસ્તારના સર્વે નંબરો તાલાલા નગરપાલિકામાં ઓજી વિસ્તાર તરીકે ભેળવવા સહિત તાલાલા નગરની ત્રણ મુખ્ય સમસ્યાઓનું તુરંત સુખરૂપ નિવારણ લાવવા ઠરાવો સાથે નગરપાલિકાની સામાન્ય સભાએ સરકાર સમક્ષ માંગણી કરી છે.