Jai Hind

ખંભાળિયા નજીક કારની ઠોકરે ફુઆ – ભત્રીજાના મોત નિપજાવવા સબબ ચાલકની ધરપકડ

અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા થયો હતો અકસ્માત

ખંભાળિયા નજીક થોડા દિવસો પૂર્વે એક અજાણ્યા કાર ચાલકે ઠોકરે લેતા બાઈક સવાર ફુઆ – ભત્રીજાના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવાન ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો. આ પ્રકરણમાં ખંભાળિયા પોલીસની કાર્યવાહીમાં આરોપી કાર ચાલક એવા દ્વારકાના શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો.આ કરુણ બનાવની વિગત મુજબ અહીંના નવાપરા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ભીમજીભાઈ પરમાર તેમના પુત્ર સચિનભાઈ તથા તેમના ભત્રીજા નિલેશભાઈ લાખાભાઈ પરમારને સાથે લઈને ગત ગુરુવારે મોડીરાત્રીના સમયે મોટરસાયકલ પર બેસીને દાતા ગામેથી પ્રસંગ પૂર્ણ કરીને ખંભાળિયા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે અત્રેથી આશરે 8 કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઈ નજીક મામાદેવના મંદિર પાસે પહોંચતા આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા ફોર વ્હીલર વાહનના ચાલકે સુરેશભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે બાઇકમાં જઈ રહેલા પિતા-પુત્ર અને ભત્રીજો ફંગોળાઈ ગયા હતા. જેમાં બાઈક ચાલક સુરેશભાઈ તથા તેમનો ભત્રીજો નિલેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે સચિનભાઈને ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને આરોપી કાર ચાલક નાસી છૂટ્યો હતો. આ પ્રકરણને અનુલક્ષીને ખંભાળિયાના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પી.એસ.આઈ. વી.આર. વસાવા, કાનાભાઈ લુણા, બલુભાઈ ગઢવી અને ભરતભાઈ જમોડ દ્વારા ચેક કરવામાં આવેલા સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ એનાલિસિસ બાદ આ અકસ્માત સંદર્ભે દ્વારકા તાલુકાના ગઢેચી ગામના પ્રકાશભા પ્રતાપભા સુમણીયા નામના 27 વર્ષના શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો.