Jai Hind

વેરાવળ સિવિલ કોર્ટના ચુકાદાને પગલે તાલાલાના આંબળાશ ગીરના ખેડુતને વીજ કંપનીએ રૂ.22.30 લાખનું વળતર ચૂકવ્યું


ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા શેરડીનો પાક બળી જતા મામલો કોર્ટમાં પહોચ્યો

તાલાલા તાલુકાનાં આંબળાશ ગીર ગામના ખેડૂત ભરતભાઈ દેવશીભાઈ ભરગા ને પી.જી.વી.સી.એલે પાકને થયેલ નુકસાની વળતરની રકમ ચૂકવી આપતા ખેડૂતને રાહત મળી છે.આ અંગેની વિગત પ્રમાણે આંબળાશ ગીર ગામના ખેડૂત ભરતભાઈ ભરગાની વડાળા ગીર ગામના પાણીકોઠા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ 18 વિઘા ખેતીની જમીન આવેલ છે.આ જમીનમાં શેરડીનું વાવેતર હતું.ગત તા.11/02/2022 નાં દિવસે ખેડૂતનાં ખેતરના શેઢે આવેલ ટ્રાન્સફોર્મર માં શોર્ટ સર્કિટથી અકસ્માતે આગ લાગતાં આ આગમાં ખેડૂતનો સાડા ચાર વિઘા શેરડીનો વાડ તથા 102 નાળીયેરી બળી ગઈ હતી.પી.જી.વી.સી.એલ ની બેદરકારીને કારણે આગનો બનાવ બનવા પામ્યો હોય ખેડુતે વળતર માટે વેરાવળ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો જેનો ગત તા.26/09/2024 નાં રોજ ચુકાદો આપી આગથી ખેડૂતને થયેલ નુકસાન રૂ.18 લાખ 49 હજાર 410 વળતરનો દાવો મંજૂર રાખી દાવાની રકમ 6 ટકા વ્યાજ સાથે તુરંત ચુકવી આપવા હુકમ કર્યો હતો.આ ચુકાદા સામે પી.જી.વી.સી.એલે વેરાવળ ડિસ્ટ્રીકટ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.આ અપીલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગત તા.04/10/2025 ના રોજ ફગાવી ખેડૂતને વળતરની રકમ વ્યાજ સાથે તુરંત ચુકવી આપવા આદેશ કર્યો હતો જેના અંતર્ગત વેરાવળ ખાતેની આવેલ પી.જી.વી.સી.એલ વડી કચેરીના અધિકારીએ કોર્ટના બેલીપ અગ્રાવતભાઈ ની ઉપસ્થિતિમાં ખેડૂતને રૂ.22 લાખ 30 હજાર 540 ની રકમનો ચેક આપ્યો હતો.પી.જી.વી.સી.એલ ની બેદરકારીના કારણે ટ્રાન્સફોર્મરમાં લાગેલ આગમાં ખેડૂતના નાશ પામેલ પાકનું વળતર ચૂકવી આપવા ન્યાય મંદિરે ખેડૂતને આપેલ ન્યાયને તાલાલા પંથકના તમામ ખેડૂતોએ ઉમળકાભેર વધાવ્યો છે.