અમરેલી જિલ્લાના રાજુલા- જાફરાબાદ પંથકમાંથી ભાવનગર- સોમનાથ નેશનલ પસાર થાય છે. અહીં રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક બ્રીજ પર મસમોટી તિરાડો પડી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતાં. બ્રીજ પર તિરાડો પડી જતા નેશનલ હાઇવેની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. બ્રીજના માત્ર એક વર્ષ જેવો સમય થવા આવ્યો છે પરંતુ વર્ષમાં જ બ્રીજ પર બીજીવાર મસમોટી તિરાડો અને લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે. તિરાડો પડતા વાહન ચાલકોની સુરક્ષા અને બ્રીજની ગુણવતા સામે સવાલો ઊભા થયાં છે. શું? આવી જ રીતે બ્રીજ પર નબળી કામગીરી થતી રેહશે? કોઈ સારી ગુણવત્તા દાયક કામગીરી કેમ કરવામાં આવતી નથી? સહીત અનેક સવાલો ઉઠી રહ્યાં છે. દરરોજ માટે બ્રીજ પરથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થઈ રહ્યા છે. હાલમાં સતાવાર રીતે લોકાર્પણ પણ થવાનું બાકી છે પરંતુ લોકાર્પણ પહેલાં નેશનલ હાઈવેના માર્ગ પર તિરાડો પડવા લાગી હોવાથી નેશનલ હાઇવેની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. દાતરડી ગામ નજીક નેશનલ હાઈવેના 115 માં બ્રીજ પર તિરાડો પડતા એક સાઇડ બંઘ કરી દેવામાં આવી છે. અને બ્રીજ સમારકામની કામગીરી ચાલી રહી છે. ત્યારે બ્રીજ પર તિરાડો પડી ગયાના વિડિયો સામે આવતા નેશનલ હાઇવેની ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારે આ બાબતે તંત્ર દ્વારા પણ યોગ્ય તપાસ કરી નેશનલ હાઈવે અને બ્રીજનું યોગ્ય રીતે કામગીરી કરાવવી જોઇએ જેથી આગામી સમયમાં કોઈ તિરાડો કે ગાબડાં અને રસ્તો બેસી જવાની સમસ્યાઓ સર્જાય નહીં. આખરે નેશનલ હાઇવેની કામગીરી કરતી એજન્સી સામે તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરી તેમની સામે કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે…….