Jai Hind

ભાણવડ બરડા ડુંગર વિસ્તારમાં પાણી સહિતની સમસ્યા

અનુસુચિત જાતીને એસ.ટી ના પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી

ભાણવડ નજીક બરડા ડુંગર વિસ્તારમાં માલધારી લોકોને પાયાની કહી શકાય એવી પીવાનાં પાણીની સમસ્યા તેમજ અનુસુચિત જનજાતી (એસ.ટી.) પ્રમાણપત્ર મેળવવામાં પડતી હાડમારી
અંગે માલધારી સમાજનાં આગેવાનોએ સ્થાનિક મામલતદારને આવેદનપત્ર આપી તુરંત ધટતી કાર્યવાહી કરવા રજુઆત કરી છે.
ભાણવડ પંથકમાં બરડા જંગલ વિસ્તારમાં વસવાટ કરતાં સંખ્યાબંધ માલધારી લોકોને રાજય સરકાર દ્વારા પાયાની સવલતો બાબતે અન્યાય કરાઈ રહ્યાની રાવ ઉઠી છે. ખાસ કરીને અનુસુચિત જનજાતી (એસ.ટી.) પ્રમાણપત્ર મેળવવામાં ભારે મુશ્કેલી પડે છે.
શને 1956ની સ્થિતિએ નેશ વિસ્તારમાં વસવાટનાં આધારે પ્રમાણપત્રો આપવામાં આવે છે. પરંતુ હાલમાં ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નેશનાં નામ આવતાં નથી. જેનાં કારણે આ કામગીરી ખોરંભે પડી ગઈ છે.
ઉપરોક્ત કામગીરી ખોરંભે થવાથી સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતાં વિર્ધાથીઓ તેમજ શાળામાં અભ્યાસ કરતાં બાળકોને આ પ્રમાણપત્ર મળી શકતું નથી. ઉપરાંત નેશ વિસ્તારમાં પાયાની કહી શકાય એવી પીવાનાં પાણીની સમસ્યા પણ વકરી રહી છે. માલધારી લોકો પાણી માટે ડુંગર વિસ્તારમાં રઝળપાટ કરી રહ્યાં છે, આમ છતાં સરકારી તંત્ર દાદ આપતું નથી.
તમામ બાબતે આગેવાન લખનભાઈ ચાવડા અને અજુર્ંનભાઈ મોરીએ ધારદાર રજુઆત કરી છે.