ભાજપની ગરીબ વિરોધી વીબી-ગ્રામ-જી કાયદો ગ્રામીણ ગુજરાતના જીવન પર સીધો હુમલો છે : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા
જુનાગઢ કોંગ્રેસ ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા નિદત બારોટે રોજગારીનો અધિકાર આપતો મનરેગા કાયદામાં ખોટા ફેરફાર કરી નબળો પાડવાની ભાજપ સરકારની ભ્રષ્ટનીતિ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો મનરેગાને સંપૂર્ણપણે નાબૂદ કરવાની કાવતરું છે. અમો વીબી-ગ્રામ-જી કાયદાની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. નવો કાયદાનો સુધારો ભારત દેશ અને ગુજરાતના ગ્રામીણ ગરીબો, ખેડૂતો, ભૂમિહીન મજૂરો, મહિલા કામદારો, દલિત અને આદિવાસી સમુદાયો સાથે દગો છે. દુષ્કાળ, પૂર, આદિવાસી વિસ્તાર, શ્રમિકો માટે આર્થિક મુશ્કેલીઓમાં મનરેગાને જીવનરેખા સમાન હતી. કોંગ્રેસે આ કાયદાના સુધારા વિરુદ્ધ દેશવ્યાપી ‘મનરેગા બચાઓ’ કાર્યકમની ઘોષણા કરી છે.
આ નવો કાયદો મનરેગાને ખતમ કરવાનું કાવતરું છે અને તેને તાત્કાલિક પાછો ખેંચીને મનરેગાને અધિકાર આધારિત કાનૂન તરીકે પુન:સ્થાપિત કરવો જોઈએ. નવા કાયદામાં ‘વીબી’નો અર્થ ‘વિકસિત ભારત’ નહીં પરંતુ ‘વિનાશ ભારત’ છે અને ‘જી’નો અર્થ ‘કેન્દ્રીકરણની ગેરંટી’ છે. જેમાં રાજ્ય સરકારોની સંમતિ વિના 60:40 ફંડિંગ રેશિયો નક્કી કરવો એ બંધારણના અનુચ્છેદ 258નું ઉલ્લંઘન છે અને આ કાયદાની વૈધતાને ન્યાયાલયમાં પડકારવામાં આવશે. મનરેગા 2005માં સર્વસંમતિથી પસાર થયો હતો, જેનો ઠરાવ સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યો હતો. અને તે સમયે સમિતિના અધ્યક્ષ ભાજપના કલ્યાણસિંહ હતા. તેમની ભલામણો સ્વીકારીને જ કાયદો અમલમાં મૂકાયો હતો. પરંતુ બીજેપીએ તેને જ નાબૂદ કરી દીધો છે. તેમ નિદત બારોટે જણાવ્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા એ વધુમાં જણાવ્યું હતું કે, ખેતીની પીક સીઝનમાં 60 દિવસ કામ નહીં મળે જ્યારે ગામડાઓમાં સૌથી વધુ મુશ્કેલી હોય ત્યારે સરકાર કામ આપવાની ના પાડી શકશે. બાયોમેટ્રિક્સને પારદર્શિતાના બદલે બહિષ્કારનું હથિયાર બનાવવામાં આવ્યું છે, જેથી ગરીબ અને ઓછા શિક્ષિત મજૂરો રોજગારથી વંચિત રહેશે. કેન્દ્રે મજૂરીમાં 100%થી ઘટાડીને 60% કરી દીધું છે, જેથી ગુજરાત સહિતના રાજ્યો પર ભારે આર્થિક બોજ પડશે. મહાત્મા ગાંધીજીનું નામ હટાવી મોટું અપમાન કર્યું છે. ભાજપ 125 દિવસની ગેરંટીનો દાવો કરે છે, પરંતુ ઓછા કેન્દ્રીય ભંડોળને કારણે વાસ્તવમાં ઓછા દિવસોનું કામ મળશે, જેથી બેરોજગારી, પલાયન અને ગામડાંની અર્થવ્યવસ્થા નબળી પડશે.
‘મનરેગા બચાવો આંદોલન’ દિલ્હી-કેન્દ્રિત નહીં, પરંતુ પંચાયત, બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે લડવામાં આવશે. સમગ્ર દેશ અને ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ ગ્રામીણ જનતાની સાથે ખભે ખભો મિલાવીને લડીશું. કોંગ્રેસ પક્ષની માંગ છે કે, કામના અધિકાર અને પંચાયતી રાજનું રક્ષણ કરવામાં આવે. મનરેગા એ દાન નથી પરંતુ બંધારણીય અધિકાર છે. અને કોંગ્રેસ ગરીબો-શ્રમિકો માટે મક્કમતાથી કેન્દ્ર સરકારની નિતિ સામે લડશે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા નિદત બારોટે અંતમાં જણાવાયું હતું.