Jai Hind

ગોંડલના ભગવતપરામાં પતંગ બાબતે ઝઘડો થતા પડોશી યુવાનની હત્યા

ત્રણ વ્યકિત ગંભીર રીતે ઘાયલ થતા સારવારમાં ખસેડાયા: સામ-સામે પોલીસ ફરીયાદ નોંધાઇ

ગોંડલમાં ઉતરાયણ નો પર્વ લોહીયાળ બન્યો હતો.ભગવતપરામાં રહેતા બે પાડોશી પરીવાર વચ્ચે પતંગ અંગેની હુંસાતુસીમાં બબાલ સર્જાતા તિક્ષણ હથિયારો વડે એકબીજા પર હુમલો કરાતા ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યાં હતા.જે પૈકી એક વ્યકિત ને રાજકોટ ખસેડાતા સારવાર મળે તે પહેલા મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.બનાવનાં પગલે પોલીસ ભગવતપરા અને હોસ્પિટલ દોડી ગઇ હતી.પોલીસે બન્ને પક્ષની ફરિયાદ લઇ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ ઉતરાયણનો તહેવાર હોય ભગવતપરા ગેઇટ વાળી શેરીમાં એક જ સમાજનાં પાડોશ માં રહેતા બે પરીવાર પતંગ ચગાવવા પોત પોતાની અગાસી પર ચડ્યા હતા. દરમિયાન પતંગ અંગેની હુંસાતુસી થતા બન્ને પરીવાર વચ્ચે માથાકુટ સર્જાતા સામસામે મારામારી થવા પામી હતી.જેમાં તિક્ષ્ણ હથિયાર વડે એકબીજા પર હુમલો કરાતા બનાવ લોહીયાળ બન્યો હતો. જેમાં અનિલભાઈ પુંજાભાઇ લુણસીયા, કાંતિભાઈ ઉકાભાઇ મકવાણા,સાગરભાઇ કાંતિભાઈ મકવાણા તથા સુનીલભાઇ કાંતિભાઈ મકવાણા ઇજાગ્રસ્ત થતા ગોંડલ સરકારી હોસ્પિટલ માં પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.જેમા સારવાર મળે તે પહેલા જ અનિલભાઈ લુણસીયાનું મોત નિપજતા બનાવ હત્યા માં પલટાયો હતો.
બનાવ અંગે મૃતક અનિલભાઈની ભાણેજ નીશાબેન સોંદરવાએ સુનીલભાઇ કાંતિભાઈ મકવાણા, કાંતિભાઈ ઉકાભાઇ મકવાણા તથા સાગરભાઇ કાંતિભાઈ મકવાણા સામે પતંગ ચગાવવા બાબતે જગડો કરી અનિલભાઈ ને છરીનાં છાતી, પડખા તથા માથાનાં ભાગે આડેધડ ઘા મારી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ કરી છે બીજી બાજુ સાગરભાઇ કાંતિભાઈ મકવાણાએ છરી વડે હુમલો કરી લાકડાનાં પાટીયાથી માર મારવા અંગે અનિલભાઈ લુણસીયા તેની બહેન મીનાબેન તથા ભાણેજ નીશાબેન સામે પોલીસ ફરિયાદ કરી છે. ભગવતપરામાં ઉતરાયણનાં પર્વ માં સર્જાયેલી માથાકુટમાં એકનું મોત નિપજતા શહેર માં સનસનાટી મચી જવા પામી હતી. બનાવ નાં પગલે એ’ડિવીઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલ માં મૃતક અનિલભાઈ નાં મૃતદેહ નું ફોરેન્સિક પીએમ કરાયુ હતું. ઇજાગ્રસ્તો પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ માં દાખલ કરાયા હોય પોલીસે નિવેદન નોંધી ફરીયાદ અંગે તજવીજ હાથ ધરી છે.