Jai Hind

અમરેલી કોલેજની છાત્રાઓ સાથે છેડતી કરાયાના આક્ષેપ બાદ નિયામક ગિરીશ ભીમાણીની હકાલપટ્ટી

અમરેલી જીલ્લા વિદ્યાસભાએ પૂર્વ કુલપતિનાં કૃત્યને લાંછનરૂપ ગણાવ્યું

રાજકોટમાં એનએસયુઆઇએ ભીમાણીનું મોઢુ કાળુ કર્યુ

અમરેલી જિલ્લામાં કડકડતી ઠંડીમાં ગરમા ગરમ ચર્ચામાં અમરેલી વિદ્યાસભા સંચાલિત બી.સી.એ. કોલેજની વિદ્યાર્થીનીઓના આબુ પ્રવાસ દરમિયાન આ કેમ્પસ નિયામક તરીકે ફરજ બજાવતા સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસના ભુતપૂર્વ કુલપતિ ગીરીશ ભીમાણી પોતાની ખાનગી કાર લઈને પાછળ ગયા બાદ વિદ્યાર્થીઓ સાથે છેડતી કરી અશોભનીય કરેલા વર્તન સામે વિરોધ વંટોળ ઉઠતા વિદ્યાસભાના નિયામક પદેથી તાત્કાલિક હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેમજ આજીવન કેમ્પસમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ લાદી દીધો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
દરમ્યાન સૌરાષ્ટ્ર યુનિ.નાં પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીએ નશો કરેલી હાલતમાં છેડતી કર્યાનાં આરોપ સાથે અમરેલી વિદ્યાસભામાં થયેલા દેખાવો-વિરોધના પગલે વિદ્યાસભાએ ઘટનાને લાંછનરૂપ ગણાવી નિયામક પદેથી હકાલપટ્ટી કર્યાના બનાવ બાદ આજે રાજકોટમાં પણ એનએસયુઆઇના નરેન્દ્રસિંહની આગેવાની હેઠળ કાર્યકરોએ પૂર્વ કુલપતિ ગીરીશ ભીમાણીનું શાહીથી મોઢુ કાળુ કરી જાહેરમાં પુતળાનું દહન કરી નારી શક્તિના અપમાન બદલ આક્રમક રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો.
અંગે બનાવમાં જાણવા મળતી વિગત મુજબ અમરેલી વિદ્યાસભા સંચાલિત બી.સી.એ. કોલેજની વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે ચાર દિવસનો આબુનો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો. જે પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસના ભુતપૂર્વ કુલપતિ અને હાલ અમરેલી વિદ્યાસભાના કોલેજ વિભાગના કેમ્પસ નિયામક ગિરીશ ભીમાણીએ પોતાની ખાનગી કારમાં આબુ પહોંચી ગયા હતાં અને નશાની હાલતમાં વિદ્યાર્થીનીઓ સાથે અશોભનીય વર્તન કર્યું હતું.
છેડતી અને અયોગ્ય સ્પર્શનો વિદ્યાર્થીનીઓએ વિરોધ કરતા કેમ્પસ નિયામકે તેમની સાથે ઉગ્ર દલીલો કરી હતી. તેઓ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પ્રવાસની બસ કેમ્પસમાં પહોંચે તે પહેલાં વિદ્યાર્થી પરીષદના 20થી વધુ કાર્યકર્તાઓ ત્યાં ધસી ગયા હતાં. વિદ્યાર્થીનીઓની આપવીતી જાણ્યા બાદ રોષ વ્યક્ત કરી કેમ્પસ નિયામક સામે ઉગ્ર પગલાં લેવાની માંગણી કરી હતી.
આ ઘટનાની જાણ થતાં તુરત જ ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી. જેમાં સંસ્થાની પ્રતિષ્ઠાને લાંછન અને અશોભનીય વર્તન અંગેની વિદ્યાર્થીનીઓની ફરિયાદ બાદ વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઈ ગજેરા સાથે સંસ્થાના મનસુખભાઈ ધાનાણીએ ચર્ચા કર્યા બાદ કેમ્પસ નિયામક સહિતની જવાબદારીમાં ગિરિશ ભીમાણીને દૂર કરવામાં આવ્યા હોવાની લેખિત જાણે મંત્રી ચતુરભાઈ પટેલે કરી હતી.
શિક્ષણ જગત માટે શરમુજફ આ કિસ્સામાં પોલીસ ફરિયાદ થશે કે કેમ? તે મુદ્દો આજે ચર્ચાસ્પદ બની રહ્યો હતો. વધુમાં સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ કુલપતિ પ્રો.ગિરીશ ભીમાણીના કૃત્યને વખોડી કાઢી એનએસયુઆઈ દ્વારા સરકાર સામે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચારેલ છે.
પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી માતૃ મંદિર કોલેજમાં હોવાની જાણ થતાં નરેન્દ્રસિંહની આગેવાનીમાં એનએસયુઆઇનાં કાર્યકરો માતૃ મંદિર કોલેજ પહોંચી પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીનું કાળી શાહીથી મોઢુ કાળુ કર્યા બાદ તેમની ચેમ્બરને ગંગાજળ છોટી શુધ્ધિકરણ કર્યા બાદ જાહેર રસ્તા ઉપર પૂર્વ કુલપતિ ગીરીશ ભીમાણીના પુતળાનું દહન કર્યું હતું. નારી શક્તિનું અપમાન કરનાર પૂર્વ કુલપતિ ગિરિશ ભીમાણી પવિત્ર શિક્ષણધામને સત્તાના મદમાં અપવિત્ર કરતા એનએસયુઆઇ દ્વારા આજે રાજકોટમાં ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.