Jai Hind

પાલીતાણાના હણોલમાં આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવતા કપિલ દેવ

મોટાભાગના ખેલાડીઓ ગામડાઓ-નાના શહેરોમાંથી આવે છે તેમનામાં લડવાની અને જીતવાની ભાવના છે

આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026નું આયોજન ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હણોલ ખાતે કરવામાં આવ્યું હતું.જિલ્લા વહીવટી તંત્ર તથા ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ મહોત્સવને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે ખૂલ્લો મુક્યો હતો.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખૂલ્લો મૂકતાં જણાવ્યું હતું કે, આજે હિન્દુસ્તાન એક એવો દેશ છે જ્યાં ગામડાઓ શહેર જેવાં બની રહ્યાં છે.શહેર જેવી જ સુવિધાઓ હવે ગામડાઓમાં મળી રહી છે. છેલ્લા 20 વર્ષનો ઈતિહાસ તપાસીએ તો પણ ખબર પડશે કે મોટાભાગના ખેલાડીઓ ગામડાઓ-નાના શહેરોમાંથી આવે છે તેમાંનામાં લડવાની અને જીતવાની ભાવના છે.તેમણે એમ પણ કહ્યું કે, દિલ તોડીને મહેનત કરશો તો અવશ્ય સફળ થશો, લોકોમાં ઈજ્જત પણ વધશે. જોશ અને પેશન તમારામાં હશે તો તમને કોઈ રોકી શકતું નથી. ગામડામાં શાળાઓ, કોલેજોની સાથે લોકોને રમવા માટેના ગ્રાઉન્ડ પણ હોવા જોઈએ.
તેમણે ઉમેર્યું હતું કે, ક્રિકેટ મારો ભગવાન છે, હું જે કંઈ છું તે ક્રિકેટના લીધે છું. હિન્દુસ્તાન આજે બદલાઈ રહ્યું છે આગામી સમયમાં સારાં એવા ખેલાડીઓ હણોલ ગામેથી પણ મળી રહે તેમ પણ બને તેવી પ્રતિબદ્ધતા શ્રી કપિલદેવે વ્યક્ત કરી હતી. રામાયણ સીરીયલના રામના પાત્રથી લોકપ્રિય બનેલા અભિનેતા અને સાંસદ શ્રી અરુણ ગોવિલે જણાવ્યું હતું કે, હણોલ ગામ આત્મનિર્ભરના રૂપમાં જાણીતું છે, અહીં આવીને જોયું ત્યારે ખબર પડી કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું જે વિઝન છે આત્મનિર્ભર ભારત બનાવવાનું ઉત્તમ ઉદાહરણ એટલે હણોલ ગામ.
કેન્દ્રિય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર મહોત્સવનું આયોજન એટલાં માટે કરવામાં આવે છે કે અહીંના તેમજ આસપાસના લોકોને પ્રેરણા મળે. તેમણે કહ્યું કે, કપિલ દેવ ક્રિકેટ પ્રેમીઓ માટે પ્રેરણારૂપ છે ત્યારે અહીંના અનેક રમતવીરોને તેમના જીવનમાંથી પ્રેરણા મળશે. કપિલ દેવે ભારતને વિશ્વકપ અપાવીને ભારતનું નામ રોશન કર્યું છે.આ તકે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કપિલ દેવે ક્રિકેટ ક્ષેત્રે અને અરુણ ગોવિલે મનોરંજન ક્ષેત્રે કરેલા પ્રદાન બદલ અભિનંદન સહ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે હણોલ ગામના લોકોના પ્રયત્નોથી ખરા અર્થમાં તીર્થ ગામનો સંકલ્પ સાકાર થાય છે. વધુમાં જણાવ્યું હતું કે 2047 માં વિકસિત ભારતની સંકલ્પના માટે વિકસિત હણોલ જોઈ શકાશે. આ મહોત્સવમાં મેક્સિકો, મોરેસિયસ, ચિલી, બેલારૂચ, શ્રીલંકા, કોસ્ટારિકા, રશિયા, મલેશિયા અને સ્પેન જેવા દેશો તેમજ વિભિન્ન રાજ્યોમાંથી આવેલાં પતંગબાજોએ અવનવાં અને આકર્ષક પતંગોના કરતબો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતાં.કાર્યક્રમમાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, ગોંડલના જયરાજસિંહ જાડેજા, જિલ્લાના અધિકારીઓ-પદાધિકારીઓ, દેશ-વિદેશના પતંગબાજો, હણોલ તેમજ આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.