જૂનાગઢ બંગલા ગેંગના ફરાર આરોપીઓએ મંગાવેલ પ્રાણઘાતક હથીયારો, કારતૂસોનો જથ્થો મળતા ચકચાર

5 હથિયારો, 96 જીવતા કાર્ટીસ તથા 4 છરી જેવા હથિયારો સાથે 3 આરોપીઓને જૂનાગઢ તાલુકા પોલીસે દબોચી લીધા

જૂનાગઢ બંગલા ગેંગના ફરાર આરોપીઓએ મંગાવેલ પ્રાણઘાતક 5 હથીયાર, 96 જીવતા કાર્ટીસ તથા 4 છરી જેવા હથિયારો સાથે 3 આરોપીઓને જુનાગઢ તાલુકા પોલીસે દબોચી લીધા હતા. પોલીસના જણાવ્યા મુજબ, જુનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના સુચના તથા ના.પો.અધિ. રવિરાજસિંહ પરમારના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં દાખલ થયેલ ગુજસીટોકના ગુનાના નાસતા ફરતા આરોપીઓ તથા શરીરસબંધી ગુનાના નાસતા ફરતા આરોપીઓને સત્વરે શોધી કાઢવા સખત સુચના કરેલ હોય, જે અન્વયે જુનાગઢ તાલુકા પો.ઇન્સ. એફ.બી.ગગનીયા તથા પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ હતા, દરમિયાન ગઈ કાલ તા.13/1/2026 ના પો.કોન્સ. વીપુલભાઇ મેરામભાઇ તથા રમેશભાઈ ગોવીંદભાઇને હકીકત મળેલ કે, જુના તાલુકા પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ જયપાલ ખોડાભાઇ બઢ તથા વિશાલ કાનાભાઇ ભારાઇ તથા જુના તાલુકા પોલીસ સ્ટેશનના ધી ગુજરાત ક્ધટ્રોલ ઓફ ટેરરીજમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ વિગેરે મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ હાલ સરગવાડા ગામે કમલેશ લખમણભાઇ ભારાઇના મકાનમાં છુપાયેલ હોવાની હકીકત મળેલ હતી.
આ હકીકત આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા કમલેશ લખમણભાઇ ભારાઇ (ધંધો સિકયુરીટી રહે. સરગવાડા) વિશાલ કાનાભાઇ ભારાઇ (ધંધો મજુરી રહે. સરગવાડા બાપા સિતારામ મઢુલીની સામે) જયેશ ઉર્ફે એભો મેરૂભાઇ ચાવડા (ધંધો માલઢોર રહે, જુનાગઢ ગીરનાર દરવાજા ચામુંડા ઢોરો) સ્થળ ઉપરથી મળી આવતા પોલીસે પકડી પાડયા હતા જ્યારે જયપાલ ખોડાભાઇ બઢ તથા ભરત ખોડાભાઇ બઢ (રહે.બન્ને સરગવાડા ગામ) સ્થળ ઉપરથી નાસી ગયેલ હતા.
દરમિયાન પકડાયેલ આરોપીઓને સાથે રાખી પોલીસે કમલેશ લખમણભાઈ ભારાઇના મકાનમા પંચોની હાજરીમાં ઠરાવ પસાર કરી ઝડતી તપાસ કરતા, રૂ. 30,000 ની કિંમતના દેશી હાથ બનાવટ હથીયાર -2 તથા દેશી તમંચા -2 તથા દેશી હાથ બનાવટ પીસ્ટલ -1 મળી કુલ હથીયાર નંગ 5 તથા રૂ. 9600 ની કિંમતના જીવતા કાર્ટીસ નંગ- 96, હથીયાર સફાઇના સાધનો, છરી નંગ-4, મોબાઇલ ફોન નંગ- 3 મળી આવતા પોલીસે કુલ કિ. રૂ. 50,800 નો મુદામાલ કબજે કરેલ હતો.
આ બાબતે આરોપીઓની પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે, સદર હથીયારનો જથ્થો ” બંગલા ગેંગ”ના આરોપી ભાવીન ખોડા બઢ તથા લાખા સાંગા હુણ નામના વ્યકતીઓએ મંગાવેલ અને આ આરોપીઓ વિરુદ્ધ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ કરેલ હોય, અને તેઓ પોલીસ ધરપકડથી સતત દુર ભાગતા ફરતા હોય, જેથી જયારે પોલીસ ધરપકડ કરવા આવે ત્યારે પોલીસ ઉપર ફાયરીંગ કરી અને ભાગી જવાનો હતો.
આમ જુનાગઢ તાલુકા પોલીસે આરોપીનો બદઇરાદો નાકામ કરી, પાંચ અગ્નિશામક હથીયારો, 96 જીવતા કાર્ટીસ અને 4 છરી સાથે 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ સાથે જયપાલ ખોડાભાઇ બઢ (રહે. સરગવાડા ગામ તા.જુનાગઢ), ભરત ખોડાભાઇ બઢ (રહે. સરગવાડા ગામ તા.જુનાગઢ), ભાવેશ ઉર્ફે ભાવીન ખોડાભાઇ બઢ (રહે.સરગવાડા) તથા જાદવ ઉર્ફે લાખો સાંગાભાઇ હુણ (રહે.ગાંધીગ્રામ જુનાગઢ) પકડી પાડવા તજવીજ જાારી રખાઈ છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓના ગુનાહીત ઇતીહાસમાં (1) વિશાલ કાનાભાઇ ભારાઇ વિરૂધ્ધ તાલુકા પો.સ્ટે. માં બી.એન.એસ.કલમ 308(4) મુજબ 1 ગુન્હો, (2) જયપાલ ખોડાભાઇ બઢ વિરૂધ્ધ જુના તાલુકા પો.સ્ટે.માં બી.એન.એસ.કલમ 308(4) મુજબ 1 ગુન્હો, (3) ભાવેશ ઉર્ફે ભાવીન ખોડાભાઇ બઢ વિરૂધ્ધ દાખલ થયેલ જુના તાલુકા, બી ડિવિઝન અને વંથલી પો.સ્ટે.માં કુલ 11 ગુન્હા નોંધાયા છે, (4) જાદવ ઉર્ફે લાખો સાંગાભાઇ હુણ સામે જુનાગઢ તાલુકા, એ ડિવિઝન, બી ડિવિઝન અને ગીર સોમનાથ જિલ્લાના મળી કુલ 9 ગુન્હા અને (5) જયેશ ઉર્ફે એભો મેરૂભાઇ ચાવડા સામે જુનાગઢ તાલુકા, એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન અને જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં કુલ 17 ગુન્હા નોંધાયા છે.
આ સારી કામગીરીમાં જુનાગઢ તાલૂકા પી.આઈ. એફ.બી. ગગનીયા તથા એ.એસ.આઇ. સન્ની વાછાણી, હેડકોન્સ. સુરેશભાઇ કારેથા, દેવેનભાઇ ચાવડા, સમીરભાઇ રાઠોડ, જેતાભાઇ દીવરાણીયા, પો.કોન્સ, કરણભાઈજગુભાઈ, વિપુલભાઇ બોરીચા, રમેશભાઇ કરંગીયા, ગોવિંદભાઇ પરમાર, ખીમાણંદભાઇ સોલંકી, ચીરાગભાઇ વરૂ,વનરાજસીંહ ભલગરીયા, નારણભાઇ કરમટા, યતીનભાઇ પાડલીયા જોડાયા હતા.
પોલીસની જાહેર
જનતાને અપીલ
કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ કરેલ આરોપીઓને જાણતા કે અજાણતા કોઇ પણ પ્રકારે મદદ કરવી કે આશરી આપવો એ ગંભીર ગુનો બને છે, અને મદદ કરનાર વ્યકતિને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડે છે જે બાબતની ગંભીર નોંધ લઈ આ આરોપીઓને કોઇ પણ પ્રકારે મદદ કરવી કે આશરી ન આપવા અપીલ કરી છે.

રિલેટેડ ન્યૂઝ