વિવિધ બ્રાન્ડની નાની-મોટી 102 બોટલ,બિયર 6 મળી કુલ રૂ.43 હજાર 670નો મુદ્દામાલ કબજે કર્યો
તાલાલા તાલુકાનાં ઘુંસિયા ગીર ગામે રહેણાંક મકાનમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી એક શખ્સ ની ધરપકડ કરી છે જ્યારે દારૂની સપ્લાય કરનાર શખ્સ ફરાર હોય પોલીસે તપાસ શરૂ કરી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ.સોનિંગસિંહ સિસોદીયા,પો.કોન્સ.મહેશભાઈ સોસા ને ઘુંસિયા ગીર ગામે તાલાલા-વેરાવળ રોડ ઉપર વાછરા દાદા નાં મંદિર પાસે રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા પોલીસે રહેણાંક મકાનમાં તપાસ કરતા દારૂ અને બિયરનો જથ્થો નજરે પડ્યો હતો.પોલીસે રાહુલ હમીર રામ ઉર્ફે.દાઉદ ઉ.વ.25 રે.ઘુંસિયા ગીર વાળાની ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડ ની વિદેશી દારૂની નાની-મોટી 102 બોટલો તથા બિયર 6 મળી કુલ રૂ.43 હજાર 670 નાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી..વિદેશી દારૂ ક્યાંથી મંગાવ્યો હતો તે અંગે પુછપરછ કરતા વિજય મેરૂ સીંગળ રે.મોટા દેસર તા.ઉના વાળા પાસેથી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું.પોલીસે દારૂની સપ્લાય કરનાર શખ્સને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.ઝડપાયેલ શખ્શ વિરુદ્ધ પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.