Jai Hind

લીંબડીના જુના બસ સ્ટેન્ડમાં ઉતરાયણની પૂર્વ સંઘ્યાએ લીયાદના યુવાનની હત્યા

મર્ડર કરનાર છ આરોપીની અટકાયત કરી ઘટનાનું રિક્ધસ્ટ્રકશન કરાવ્યું

જિલ્લાના લીંબડી શહેરમાં જુના બસ સ્ટેન્ડ પાસે ભર બજારમાં એક યુવકની તીક્ષ્ણા હથિયારોથી હત્યા કરવામાં આવી હતી. આ દુ:ખદ ઘટનામાં 6 શખ્સોએ હિતેશ સુરેલા નામના યુવક પર હુમલો કરીને તેને મોતને ભેટ્યો અને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. લીંબડી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તમામ 6 આરોપીઓને ઝડપી લીધા છે અને તેમને કાયદાનું ભાન કરાવવા માટે વિશેષ પગલાં લીધા છે.
પોલીસે આરોપીઓને લીંબડી શહેરી વિસ્તાર, ઘટના સ્થળ તેમજ લીયાદ ગામમાં સરઘસ કાઢીને લોકો સમક્ષ રજૂ કર્યા. આ સરઘસ દરમિયાન આરોપીઓને હાથકડીઓમાં જોઈને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. ત્યારબાદ પોલીસે સમગ્ર હત્યાના બનાવનું રિક્ધસ્ટ્રકશન (પુનર્નિર્માણ) કરાવ્યું, જેમાં આરોપીઓએ ઘટનાની રીત-રીતિ બતાવી અને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું. આ કાર્યવાહીથી પોલીસની ત્વરિત અને કડક કાર્યવાહીની વાહવાહી થઈ રહી છે.
લીંબડીના લેકવ્યુ બિલ્ડીંગ પાસે 40 વર્ષીય હિતેશ સુરેલા નામના યુવકની છ શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી.પોલીસે આ મામલે છ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં વાલજીભાઈ ધનજીભાઈ માનસુરીયા (ઉ.વ. 50), જયપાલભાઈ વાલજીભાઈ માનસુરીયા (ઉ.વ.25), જયદેવભાઈ ઉર્ફે લુરો વાલજીભાઈ માનસુરીયા (ઉ.વ. 23), પ્રતાપભાઈ ધનજીભાઈ માનસુરીયા (ઉ.વ.46), જયરાજભાઈ વાલજીભાઈ માનસુરીયા (ઉ.વ. 21) (તમામ રહે. લિયાદ, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર) અને ધનશ્યામભાઈ રામજીભાઈ સીતાપરા (ઉ.વ. 45, રહે. મોટા ત્રાડીયા, તા. ધંધુકા, જિ. અમદાવાદ)નો સમાવેશ થાય છે.
આ ચકચારી હત્યાના આરોપીઓને પકડવા માટે લીંબડી પોલીસ અધિક્ષક વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ એ.આર. પટેલ (પોલીસ ઈન્સપેક્ટર, લીંબડી), નાયબ પોલીસ અધિક્ષકશ્રી લીંબડી ડિવિઝન સ્ક્વોડ, એલ.સી.બી. ટીમ – સુરેન્દ્રનગર અને એસ.ઓ.જી. ટીમ – સુરેન્દ્રનગર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં તમામ આરોપીઓને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.