સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ સવારનાં ઠંડા પવનો વચ્ચે ઠંડીમાં વધઘટ નજરે પડી હતી. અમરેલી, નલિયા, જામનગર અને જુનાગઢ શહેરમાં સિંગલ ડિઝીટ સાથે કડકડતી ઠંડી અનુભવાઈ હતી. જયારે ગિરનાર પર્વત આજે પણ 3.4 ડિગ્રી સાથે હિમ જેવો રહેવા પામ્યો હતો. આજે સવારે જુનાગઢ શહેરમાં 8.4 ડીગ્રી, જામનગરમાં 9.5 ડીગ્રી તથા નલિયામાં 9.2 અને અમરેલી ખાતે 9.4 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
જોકે રાજકોટ સહિતના સ્થળોએ સવારના તાપમાનમાં આંશિક વધારો થતા ઠંડીની તિવ્રતા ઘટી જવા પામી હતી. આજે સવારે રાજકોટ શહેરમાં 11.3, પોરબંદરમાં 13.6, વેરાવળમાં 14.5, તથા સુરતમાં 14.6, અમદાવાદમાં 14.5, વડોદરામાં 11.8, ભાવનગરમાં 14.4, ડિસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.
ઉલ્લેખનીય છે કે દરિયાકાંઠાના વિસ્તાર દિવમાં આજે સવારે 10.3 ડીગ્રી સાથે તિવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો. તેમજ દ્વારકામાં 17.5, ગાંધીનગરમાં 13.5, કંડલામાં 12.2 અને ઓખામાં 18.8 ડીગ્રી તાપમાન નોંધાવા પામ્યું હતું. વધુમાં મળતા અહેવાલો મુજબ કાશ્મીરમાં ભારે બરફના કારણે સોરઠના તાપમાનમાં છેલ્લા બે દિવસથી પારો 5 ડીગ્રીએ નીચે ઉતરી જતા કાતીલ ઠંડીના કારણે જનજીવન ઉપર તેની માઠી અસર જોવા મળી રહી છે. ઉત્તરાયણની રાત્રીના પારો નીચે ગગડીને 7.5 ડીગ્રીએ નીચે ઉતરી જતા ભારે પવન સાથે જીવન અસ્તવ્યસ્ત કરી નાખી એક સાથે મેકસીમમ પારો 5 ડીગ્રી ઉતરી જતા મેકસીમમ પારો આજે પણ 9 ડીગ્રીએ નોંધાયો હતો.
જયારે મીનીમમ 8.4 ડીગ્રી નીચે જવા પામ્યો હતો. ગિરનાર પર્વત ઉપર 3.4 ડીગ્રીએ નોંધાયો હતો. બરફીલા પવનની ગતિ આજે ઘટીને પ્રતિકલાક 2.6 કિ.મી.ની ઝડપે નોંધાઈ છે. વાતાવરણમાં ભેજ વધીને 84 ટકા નોંધાયો છે. જયારે જામનગરમાં પોષ મહિનાના અંતિમ દિવસોમાં શિયાળો અસલ મિજાજમાં આવ્યો હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો પારો નીચો રહ્યો છે.
જામનગ માં આજે સવારે તાપમાન 9.5 ડિગ્રી નોંધાયું
જામનગર માં મકરસંક્રાંતિના પર્વના દિવસે તાપમાન નો પારો નીચે ઉતરીને સિંગલ ડીજીટમાં આવી ગયો હતો, અને 8.5 ડિગ્રી તાપમાન નોંધાતાં મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો જેમાં ગઈકાલે થોડી રાહત જોવા મળ્યા બાદ આજે ફરીથી ઠંડી એ ભુક્કા કાઢ્યા છે, અને તાપમાન નો પારો ફરીથી નીચે સરકી ને 9.5 ડિગ્રીએ પહોંચ્યો હોવાથી કાતિલ ઠંડી પડી રહી છે, અને શહેરીજનો ઉપરાંત પશુ પક્ષીઓ થર થર કાંપ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલી કાતિલ ઠંડીના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. સાથોસાથ સુસવાટા મારતા બરફીલા ઠંડા પવને રીતસર લોકોને ધ્રુજાવ્યા છે. જામનગરમાં આજે સવારે 8 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 9.5 ડિગ્રી રહ્યું હતું, જ્યારે મહત્તમ તાપમાન 26 ડીગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70 ટકા રહ્યું હતું, તેમ જ પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 15 થી 20 કી.મી ની ઝડપે રહી હતી.
ફલ્લામાં ગાઢ ધુમ્મસ
જામનગર તાલુકાના ફલ્લા ગામ પાસે હાઈવે પર ગાઢ ધુમ્મસ જામ્યુ હતું. આ ધુમ્મસના વાતાવરણને કારણે વાહન ચાલકોને પોતાના વાહનો ચલાવવા મુશ્કેલ બન્યા હતાં.
