પાલીકાએ ટેન્ડર બહાર પાડી કામ શરૂ નહી થતા, ઉકેલ લાવવા લોકોની રજુઆત
વેરાવળમાં આંબેડકરનગર વિસ્તારમાં વરસાદના પાણીના કાયમી નિકાલ સાથે ગટર સુવિધા અને પાકો રસ્તો બનાવવા બાબત આ વિસ્તારના લોકો દ્વારા જિલ્લા કલેકટર સહીતના લેખિત રજૂઆત કરેલ છે અને નગરપાલીકા દ્વારા તા.8-9-2023 ના રસ્તો બનાવવા માટે ટેન્ડર બહાર પાડેલ પરંતુ આજ સુધી આ રસ્તાનું કામ થયેલ ન હોય તેથી નગરપાલિકા દ્વારા ખરાઈ કરી આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ વહેલી તકે કરવામાં આવે તેવી માંગ કરેલ છે.
આ અંગે ગીર સોમનાથ કલેકટર સહીતના કરેલ લેખિત રજૂઆત માં જણાવેલ કે, જી.આઈ.ડી.સી. માં આવેલ આંબેડકરનગર વિસ્તારમાં ચોમાસામાં વરસાદને કારણે પાણી ભરેલા રહેતા હોય છે, જેના કારણે જી.આઈ.ડી.સી માં મજૂરી કામે જતા મજૂરો ને હાલાકી નો સામનો કરવો પડે છે. વેરાવળ, તાલાળા, ભાલકા સહિત આજુબાજુના તમામ ગામના મજૂર લોકો આજ ટુંકા રસ્તાનો ઉપયોગ કરે છે. અંદાજીત જી.આઈ.ડી.સી.માં કામ કરતા 50 થી 70 ટકા લોકો રોજ માટે આ ટુંકા રસ્તાનો ઉપયોગ કરે છે. આ રસ્તો બંધ થવાના કારણે લગભગ ત્રણ થી ચાર કિલોમીટર ફરીને જવું પડે છે. આ રસ્તા પર સતત પાણી ભરાયેલ હોવાથી આંબેડકર નગર ના સ્થાનિક રહેવાસીઓ ને ગંદકી અને બીમારીઓની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ વિસ્તારના રસ્તાની પશ્ચિમ બાજુ તરફ ગટરની પાઇપ લાઇન નાખેલી છે. તથા રસ્તાના 200 મીટર પૂર્વ તરફ પાઇપ લાઇનનું કામ કરવામાં આવેલ નથી. ગટરની પાઇપ લાઈન જ્યાં નાખવામાં આવેલી છે ત્યાં રસ્તો સમથળ કરેલ નથી જેના કારણે પાણી ગટરમાં ન જતાં આજુબાજુના વિસ્તારમાં ફેલાય છે, અને પાણી રસ્તા પર સતત ભરાયેલ રહે છે. આ રોડ પર પાણીના નિકાલ માટે ગટરના ઢાંકણા બનાવેલ છે તેમાં મોટાભાગના ઢાંકણા વાહનોની અવર-જવર ના કારણે તૂટી ગયેલ છે અથવા તો પથ્થર અને માટી પડવાને કારણે બંધ થઈ ગયેલ છે. આંબેડકર નગરના રસ્તા અને ગટરના પાણીની સમસ્યા બાબતે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા ના પ્રમુખ ને તા.18.7.2023 ના લેખિત રજૂઆત પણ કરેલ હતી અને એમના દ્વારા સ્થળ ખરાઈ પણ કરવામાં આવી હતી ત્યારબાદ નગરપાલીકા દ્વારા તા.8.9.2023 ના રસ્તો બનાવવા માટે ટેન્ડર જાહેરાત ન્યુઝ પેપરમાં આપેલ પરતું આજ સુધી આ રસ્તાનું કામ થયેલ નથી ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકા દ્વારા ખરાઈ કરી આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ વહેલી તકે કરવામાં આવે તેવી માંગ કરેલ છે.