ઉનાના સૈયદરાજપરા ગામને નીલગાયએ પાંચ દિવસ સુધી રહેઠાણ બનાવ્યું

વનવિભાગે રેસ્ક્યુ કરી જસાધાર સેન્ટર ખસેડી, બે દિવસ પહેલાં પણ જંગલમાં છોડી હતી

ઉના તાલુકાના સૈયદરાજપરા ગામે છેલ્લા પાંચ દિવસ થી એક નીલગાય જોવા મળી રહી હતી. ગામમાં ભય નો માહોલ સર્જાતા વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચી નીલગાયને રેસ્ક્યુ કરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડી હતી. આ નીલગાય ગામની બહાર જતી ન હતી અને આખો
દિવસ ગામમાં લટાર મારતી જોવા મળતી હતી, જાણે તેણે ગામને જ પોતાનું નિવાસસ્થાન બનાવી લીધુંહોય. હાલમાં તે રેવન્યુ વિસ્તારમાં પ્રાથમિક શાળા નજીક પાચાભાઈ ચિકુભાઈ પરમાર ના બંદર નજીક આવેલ વિસ્તારમાં જોવા મળી હતી.વનવિભાગની ટીમ, ના ફોરેસ્ટર હિતેશ બારોટ, વેટરનરી તબીબ પિયુષ માળવી, રેસ્ક્યુ ટીમના પ્રતાપ ખુમાણ, ભરત ગોહિલ, ભરત સોલંકી અને નવાબંદર રાઉન્ડ સ્ટાફનો મોટો કાફલો સૈયદરાજપરા પહોંચી નીલગાય જે સ્થળે બેઠી હતી તે ખુલ્લો વિસ્તાર હોવાથી, ટીમે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ દોરડાના ગાળિયા વડે તેને બાંધવાનો પ્રયાસ કર્યો. નીલગાય મુક્ત થવા માટે ધમપછાડા કરતી હતી, પરંતુ વનવિભાગના 10 કર્મચારીઓના સ્ટાફે ચતુરાઈ પૂર્વક તેને વીજપોલ સાથે બાંધી દીધી. વેટરનરી તબીબ પિયુષ માળવીએ નીલગાયના શીંગડા નીચેના ભાગે મોઢા પર ઇન્જેક્શન આપી તેને બેભાન કરી હતી. ત્યારબાદ વનવિભાગની ટીમે આ નીલગાયને સુરક્ષિત રીતે જસાધાર એનિમલ કેર સેન્ટર પર ખસેડી હતી, જ્યાંથી તેને જંગલમાં મુક્ત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પણ વનવિભાગે આ નીલગાયને જંગલ સુધી પહોંચાડી હતી, પરંતુ તે પરત સૈયદરાજપરા ગામમાં આવી ગઈ હતી. આવખતે નીલગાયને સુરક્ષિત રીતે બેભાન કરતા વનવિભાગ અને ગ્રામજનોએ રાહત અનુભવી હતી.

રિલેટેડ ન્યૂઝ