વહેલી સવારે વનરાજની ડણક ગુંજી ઉઠે છે અને સિંહ પ્રેમીઓ દર્શન માટે ઊમટ્યા,વન વિભાગને પેટ્રોલિંગ કરવા માંગ ઉઠી
ગીરની સરહદે આવેલા ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માં હવે વનરાજાઓના આંટાફેરા સામાન્ય બન્યા છે. ખાસ કરીને ઉનાનું આમોદ્રા ગામ છેલ્લા ઘણા સમયથી સિંહો માટે અનુકૂળ રહેઠાણ બની ગયું હોયતેમજણાય છે. વહેલી સવારે આમોદ્રાની સીમમાં સિંહની ગર્જના થી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠે છે
સામાન્ય રીતે શાંત વાતાવરણમાં સિંહની ડણક 3 કિમીથી વધુ દૂર સુધી સંભળાતી હોય છે. વહેલી સવારે જ્યારે સિંહે ડણક દીધી, ત્યારે સ્થાનિક સિંહપ્રેમીઓ લોકેશન ટ્રેક કરીને સિંહના દર્શન કરવા પહોંચી ગયા હતા. સિંહ જ્યારે ડણક આપે છે ત્યારે તે માત્ર અવાજ નથી કરતો,પરંતુ તે વિસ્તારમાં પોતાની સત્તા અને ’ટેરિટરી’ પણ પ્રસ્થાપિત કરતો હોય છે.
ઉના તાલુકો જંગલ વિસ્તારને અડીને આવેલો હોવાથી હવે વનરાજો જંગલ છોડીને માનવ વસાહત અને રેવન્યુ વિસ્તાર તરફ વધુ આકર્ષાયા છે. આમોદ્રા ગામમાં સિંહોએ કાયમી વસવાટ જેવી સ્થિતિ બનાવી લીધી છે. ઘણીવાર શિકારની શોધમાં સિંહો ગામની અંદર પણ આવી ચડે છે અને પાલતુ પશુઓનું મારણ કરવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે.જ્યારે સિંહના લોકેશનની જાણ થાય છે ત્યારે મોટી સંખ્યામાં સિંહપ્રેમીઓ અને કુતૂહલવશ લોકો સિંહને જોવા દોડી જાય છે. આ સ્થિતિ સિંહ માટે ખલેલ સમાન બને છે. જ્યારે સિંહને પોતાના કુદરતી રહેઠાણમાં અડચણ અનુભવાય છે, ત્યારે તે વધુ આક્રમક બનીને ગામની અંદર અથવા માનવ વસાહત તરફ ધસી જાય છે, જે સંઘર્ષનું કારણ બની શકે છે.આમોદ્રા વિસ્તારમાં સિંહો ની કાયમી અવરજવરને જોતા સ્થાનિકોમાં બે પ્રકારની લાગણી છે. એક તરફ સિંહ હોવાનો ગર્વ છે, તો બીજી તરફ સુરક્ષાની ચિંતા છે.નિયમિત વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સતત મોનિટરિંગ કરવામાં આવે તેવી માગ ઉઠી છે. જો વન વિભાગ સક્રિય રહે તો સિંહની સલામતી પણ જળવાશે અને ગ્રામજનો સાથે થતો સંઘર્ષ અટકાવી શકાશે.વન્યપ્રાણી પ્રેમીઓ ની માંગ છે કે સિંહના લોકેશન પર જઈ તેમને ખલેલ ન પહોંચાડે, તે સિંહ અને માણસ બંને માટે જોખમી સાબિત થઈ શકે છે.
