આબુમાં ગીરીશ ભીમાણીએ કરેલા કરતૂતના સીસીટીવી કુટેજ મીડિયા સામે રજુ થતાં ચકચાર
ગીરીશ ભીમાણીના મામલાને રફેદફે કરનાર અને ફરીયાદ ન લેનાર પોલીસ કર્મી સામે પગલા લેવાની એબીવીપીની માંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને ત્યાર બાદ અમરેલી વિદ્યાસભાના કોલેજ વિભાગનાં કેમ્પસ ડાયરેક્ટ તરીકે જોડાયેલા ગિરીશ ભીમાણીના કાળા કરતૂતો અમરેલી એ.બી.વી.પી. દ્વારા જાહેર કરવામાં આવતાં સમગ્ર શૈક્ષિક જગતને કલંકિત કરનારા આ ઇસમ સામે અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રોષ વ્યાપી જવાં પામેલ છે. ત્યારે આજે અમરેલી ખાતે વિદ્યાસભા સંકુલમાં આવેલ બી.સી.એ. કોલેજ ખાતે અમરેલી એ.બી.વી.પી. દ્વારા “ગિરીશ ભીમાણી હાય હાય, ગિરીશ ભીમાણી મુર્દાબાદ” નારા લગાવી આંદોલન શરૂ કરી દેવામાં આવેલ છે. ત્યારે આજે સવારે અમરેલી એ.બી.વી.પી. દ્વારા એક પ્રેસ કોન્ફરસ પણ કરી હતી. જેમાં આબુ ખાતે ગિરીશ ભીમાણીએ કરેલ કૃત્યના સી.સી.ટી.વી. ફૂટેજ મીડિયા સમક્ષ રજુ કરવામાં આવ્યાં હતાં.
અમરેલી એ.બી.વી.પી.ના નીતિન નકુમે જણાવ્યું હતું કે, આ પ્રવાસના આયોજન પહેલાં જ ગિરીશ ભીમાણીની મેલી મુરાદ હતી. સાંજે પ્રવાસ અમરેલીથી રવાના થાય તેવું આયોજન કરવામાં આવેલ હતું. પરંતુ આ શખ્સ દ્વારા પ્રવાસ રાત્રે ઉપડે તે માટે થઈને દબાણ કરવામાં આવેલ હતું.
ત્યાર બાદ આ ગિરીશ ભીમાણી આ કોલેજનાં પ્રવાસ પાછળ પાછળ આબુ પહોંચી જઈ અને આ પ્રવાસમાં ગયેલી વિદ્યાર્થીનીઓ એક ઠંડા પીણાની દુકાને તથા આઈસ્ક્રીમ પાર્લરમાં ગઇ હતી. ત્યારે આ શખ્સ દ્વારા જાહેરમાં વિદ્યાર્થીનીઓની છેડતી કરી હતી. ત્યારે અમરેલી એ.બી.વી.પી. દ્વારા આ ઘટનાંના સી.સી.ટી.વી. ફૂટેજ પણ મેળવી લઈ મીડિયા સમક્ષ જાહેર કર્યાં હતાં. આ ઘટનાં બાદ આ પ્રવાસ અમરેલી પહોંચતાં અમરેલી એ.બી.વી.પી.ના કાર્યકરો દ્વારા આ ઘટના અંગે વિદ્યાસભા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવા માંગણી કરતાં આ વિદ્યાસભાના એક ટ્રસ્ટી દ્વારા મામલાને રફેદફે કરવાં માત્ર ગિરીશ ભીમાણીને સેવા મુક્ત કરી દેવામાં આવ્યાં હતાં.
બાદમાં એ.બી.વી.પી.ના કાર્યકરો વિદ્યાર્થીનીઓ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આધાર પુરાવા સાથે ફરિયાદ કરવાં માટે થઈ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યાં હતાં. પણ ત્યાં પણ આ બનવાની ફરિયાદ કે ગિરીશ ભીમાણી વિરૂધ્ધ અરજી લેવાની ફરજ પરના પોલીસ કર્મીએ ના પાડી દેવામાં આવી હતી. તેવો પણ આક્ષેપ કરાયો છે.
ત્યારે આજે અમરેલી એ.બી.વી.પી. દ્વારા એવી માંગ કરવામાં આવેલ છે, આ બનાવમાં શરૂઆતથીજ આ ગિરીશ ભીમાણીના મામલાને રફેદફે કરવાં માટે ભુંડી ભૂમિકા ભજવનાર તથા આ ફરિયાદ અથવા તો અરજી નહીં લેનાર જવાબદાર પોલીસ કર્મી સામે પોલીસ અધિક્ષકના વડપણ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી અને તપાસ હાથ ધરવા અને આ બનાવમાં આરોપીને છાવરવાનો પ્રયાસ કરનાર સામે પગલાં ભરવા પણ અંતમાં અમરેલી એ.બી.વી.પી.ના કાર્યકરોએ માંગણી કરેલ છે.