Jai Hind

તરણેતરમાં ગૌશાળાના લાભાર્થે આયોજીત ટિકિટ ડ્રો કાર્યક્રમમાં થયો ડખ્ખો

સમયસર ડ્રો ન કરાતા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર કર્યો પથ્થરમારો

જિલ્લાના થાનગઢ તાલુકાના સુપ્રસિદ્ધ તરણેતર ગામે આજે ભારે અરાજકતા અને હિંસાના દ્રશ્યો સર્જાયા હતા. ગૌશાળાના લાભાર્થે આયોજિત ટિકિટ ડ્રો કાર્યક્રમમાં આયોજકો દ્વારા સમયસર ડ્રો ન કરવામાં આવતા હજારો લોકો ઉશ્કેરાયા હતા. મામલો એટલો બિચક્યો હતો કે રોષે ભરાયેલા ટોળાએ આયોજકોને બચાવવા આવેલી પોલીસની કાર પર પણ પથ્થરમારો કરી દીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, તરણેતર ગામે ગૌશાળાના લાભાર્થે એક મોટા ઈનામી ટિકિટ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સમય આજે સવારે 11:00 વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો હતો. દૂર-દૂરથી હજારોની સંખ્યામાં લોકો મોટી આશાઓ સાથે આ ડ્રોના સ્થળે ઉમટી પડ્યા હતા. પરંતુ કલાકો વીતવા છતાં આયોજકો દ્વારા ડ્રોની પ્રક્રિયા શરૂ કરવામાં ન આવતા લોકોમાં ફાળ પડી હતી કે તેમની સાથે છેતરપિંડી થઈ રહી છે.
સમયસર ડ્રો ન થતાં ઉશ્કેરાયેલા લોકોએ હોબાળો મચાવવાનું શરૂ કર્યું હતું. સ્થિતિ બેકાબૂ બનતી જોઈને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જ્યારે પોલીસે ઉશ્કેરાયેલા ટોળાથી બચાવવા માટે આયોજકોને પોતાની કારમાં બેસાડીને લઈ જવાનો પ્રયાસ કર્યો, ત્યારે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. લોકોએ પોલીસની કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો.આયોજકોને લઈ જતી પોલીસની વાન પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ અને પ્રજા વચ્ચે સામસામે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.