યુથ કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર અપાયું
બોટાદ જીલ્લાના રાણપુર ગ્રામ પંચાયતમાં જન્મ-મરણના પ્રમાણપત્રો ઈછજ પોર્ટલ પરથી દર મહિને માત્ર 10 જ નીકળી રહ્યા છે. આ સમસ્યાને કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે.
રાણપુર તાલુકા કક્ષાનું ગામ હોવા છતાં, ગ્રામ પંચાયતમાંથી જૂના જન્મ-મરણના દાખલા માત્ર 10ની મર્યાદામાં જ નીકળતા હોવાથી અસંખ્ય અરજદારો પરેશાન થઈ રહ્યા છે. આ મર્યાદાને કારણે જરૂરી દાખલા મેળવવામાં વિલંબ થાય છે અને લોકોને વારંવાર ધક્કા ખાવા પડે છે.રાણપુર તાલુકા યુથ કોંગ્રેસે તાલુકા વિકાસ અધિકારી એચ.એફ. ભુવાત્રાને આવેદનપત્ર આપીને આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવા અને અરજદારોની મુશ્કેલી દૂર કરવા માંગણી કરી છે.આવેદનપત્ર સુપરત કરતી વખતે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સુરેશભાઈ પરમાર, રાણપુર તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ પરવેજભાઈ કોઠારીયા, રાણપુર શહેર કોંગ્રેસ પ્રમુખ બશીરભાઈ કટુંબરા તેમજ રાણપુર તાલુકા કોંગ્રેસના આગેવાનો અને રાણપુર ગ્રામ પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે આ સમસ્યા સમગ્ર ગુજરાત રાજ્ય માં છે.તો રાજ્ય સરકાર આ સમસ્યા નો ઉકેલ લાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
