નોર્મલ રેન્જ સામાજીક વનીકરણ રેન્જ સાવરકુંડલા અને ગૠઘના સંયુક્ત પ્રયાસોથી 4 ઘાયલ પક્ષીઓને નવજીવન મળ્યું
ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા ’કરુણા અભિયાન’ ને સાર્થક કરવા માટે અમરેલી જિલ્લામાં વન વિભાગ, પશુપાલન વિભાગ અને સેવાભાવી સંસ્થાઓ ખભેખભો મિલાવીને કાર્ય કરી રહી છે. સાવરકુંડલા ખાતે સામાજિક વનીકરણ રેન્જ (નોર્મલ રેન્જ), વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ અને તાત્કાલિક હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જીવમાત્રના રક્ષણ માટે પ્રશંસનીય જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સરકારશ્રીના આ અભિયાનને સાર્થક કરવાના સેવાભાવથી સમગ્ર જિલ્લામાં અનેક અબોલ પક્ષીઓ અને અન્ય જીવોના જીવ બચાવી લેવાયા છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન આકાશમાં વિહરતા અબોલ પક્ષીઓ ઘાતક દોરીથી ઘાયલ ન થાય તે હેતુથી સાવરકુંડલા શહેરની તમામ શાળાઓમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શક પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સમજાવવામાં આવ્યું હતું કે, આપણો ઉત્સવ પક્ષીઓ માટે જીવલેણ ન બનવો જોઈએ. ઉતરાયણ પર્વ દરમિયાન લોકોમાં સુરક્ષિત સવારી માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી, જેમાં ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ અને ગળાના સેફ્ટી ગાર્ડનો ઉપયોગ કરવા તેમજ વીજળીના તાર પર ફસાયેલી દોરી ન ખેંચવા જેવી મહત્વની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. વ્યાપક પ્રચાર અને જનજાગૃતિના પરિણામે આ વર્ષે પક્ષીઓ ઘાયલ થવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નોર્મલ રેન્જ સામાજિક વનીકરણ રેન્જ તેમજ વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાના કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક એક્શન લઈ અત્યાર સુધીમાં 4 ઘાયલ પક્ષીઓને ત્વરિત સારવાર આપી નવજીવન આપવામાં આવ્યું છે.