Jai Hind

કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં ભાગ લેવા આવતીકાલથી તાલાલાના ઉમરેઠી ગામે રાજ્યપાલ બે દિવસની મુલાકાતે


પ્રાકૃતિક ખેડૂતોને રાજ્યપાલ સંબોધન કરશે: સફાઇ, વૃક્ષારોપણ કાર્યક્રમોમાં ભાગ લેશે: કાર્યક્રમને લઇને કલેકટર ઉમરેઠીની મુુલાકાતે

ગીર સોમનાથ જિલ્લાના તા.20-21 બે દિવસીય પ્રવાસ દરમ્યાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉમરેઠી ગીર ગામની મુલાકાત લેશે.આ માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.આખા ગામમાં જબરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
ગામના સરપંચ જયદીપભાઈ જોટવા,તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ બારડે આપેલ વિગત પ્રમાણે તા.20 મી મંગળવારે બપોરે 4:00 કલાકે રાજ્યપાલ પધારશે.રામ મંદિરના પરિસરમાં યોજાનાર પ્રાકૃતિક કૃષિ પરીસંવાદમા રાજ્યપાલ મહોદય ભાગ લેશે.આ ખેડૂત સભામાં ઉપસ્થિત 2000 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી માર્ગદર્શન આપશે.ગામના પ્રાકૃતિક પ્રેમી ખેડૂત મહેશભાઈ નાઘેરાનાં પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની મુલાકાત લેશે ત્યારબાદ અનુસુચિત જાતિ પરિવારનાં નિવાસસ્થાને રાત્રી ભોજન કરશે અને રાજયપાલ મહોદય રાત્રી ગ્રામસભામાં પણ ઉપસ્થિત રહી ગ્રામજનોને સંબોધન કરશે તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરશે.આ ઉપરાંત ગામમાં યોજાનાર વિવિધ ગ્રામ્ય કલ્યાણ નાં કાર્યક્રમોમાં સામેલ થવા રાજ્યપાલ મહોદય ગામની પ્રાથમિક શાળામાં રાત્રી રોકાણ કરશે.બીજા દિવસે સવારે રાજ્યપાલની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન તથા ઉમરેઠી ડેમની બાજુમાં વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાશે.ગામના પ્રાકૃતિક પશુપાલક પ્રેમી રાજેશભાઈ બારડ નાં નિવાસસ્થાને પધારી રાજ્યપાલ દેશી ગાય નિહાળશે.
રાજ્યપાલ મહોદય ની ઉમરેઠી ગીર ગામની બે દીવસ ની મુલાકાત અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયે ઉમરેઠી ગીર ગામની મુલાકાત લઈ રાજ્યપાલ નાં વિવિધ કાર્યક્રમો નાં સ્થળનું નિરીક્ષણ કરી આયોજન ની સમીક્ષા કરી હતી.જીલ્લા સમાહર્તા ની સાથે અધિક કલેકટર રાજેશ આલ,ઈનચાર્જ જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશભાઈ જોષી,પ્રાંત અધિકારી વિનોદ જોશી,આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર પુષ્પકાંત સ્વર્ણકાર ઉપરાંત ખેતિવાડી,બાગાયત,માર્ગ અને મકાન વિભાગ સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.