Jai Hind

ખંભાળિયાથી રાજકોટની એસ.ટી. બસે મુસાફરોને રઝડાવ્યા એન.આર. આઈ મહિલા પેસેન્જરને કડવો અનુભવ

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડમાં એક એન.આર.આઈ. મહિલાને ખંભાલિયા ડેપોની વહેલી સવારની ખંભાલિયાથી રાજકોટ દોડતી એસ.ટી. બસના સ્ટોપ બાબતે રવિવારે કડવો અનુભવ થયો હતો અને મુસાફરો રજળી પડ્યા હતાં. મુસાફર જનતાને રાજકોટ જવા માટે એસ.ટી. બસનો લાભ મળે એ માટે ખંભાલિયા ડેપો દ્વારા વરસોથી સવારે ખંભાલિયા રાજકોટ એસ.ટી. બસ દોડાવાઈ રહી છે. રૂટ પર આવતા મોટા ગુંદા, ભાણવડ, જામજોધપુર, પાનેલી ઉપલેટા, સહિતના લોકોને રાજકોટ જવા માટે આ બસ ખુબ જ ઉપયોગી પુરવાર થઈ છે.
પરંતુ રવિવારે ભાણવડના મુસાફરોને આ એસ.ટી. બસનો કડવો અનુભવથતાં ડ્રાઈવર અને કંડક્ટર ટિકાપાત્ર બન્યા હતાં. ખંભાલિયાથી વહેલી સવારે રાજકોટ જવા માટે આ બસ નિકળી હતી અને ભાણવડના રણજીતપરામાં હાઈસ્કૂલ ચોક પાસે મીની બસ સ્ટોપ પર એન.આર.આઈ. મહિલા સોભનાબેન મજીઠિયા નામની મહિલા સહિત અનેક પેસેન્જરો સવારે સાત વાગ્યે બસની રાહ જોતા હતાં. પરંતુ એસ.ટી. બસનો ઉપરોક્ત સ્થળે કાયદેસરનો સ્ટોપ હોવા છતાં ડ્રાઈવર કંડક્ટર બન્નેએ પોતાની મનમાની ચલાવી બસ ઉભી નહીં રાખતા પેસેન્જરોમાં દોડધામ મચી ગઈ હતી. જેમાં એન.આર. મહિલા પોતાની પુત્રી સાથે ઓટો રિક્ષા દોડાવી ભાણવડ બસ સ્ટેશને પહોંચ્યા હતા જ્યાં કંડક્ટરને શાબ્દીક ટપાટપી કરી જવાબદારીનું ભાન સમજાવ્યું હતું.