Jai Hind

ખંભાળિયામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ માર્ગ, વીજ, આરોગ્ય,(સિંચાઈ પ્રશ્ર્ને ચર્ચા, માર્ગદર્શન)

ખંભાળિયાની જિલ્લા કલેકટર કચેરી ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય મુળુભાઈ બેરાએ વિવિધ જનહિત પ્રશ્નોને અગ્રતા આપી, તાકીદે પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જનોપયોગી યોજનાઓ અસરકારક અમલીકરણ અને છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવા માટે તત્પરતા દાખવી યોગ્ય લાભાર્થીને લાભ આપવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોરએ વીજ પુરવઠો, માર્ગ મરામત, આરોગ્ય, સિંચાઈ, સ્વચ્છતા સહિતના વિભાગોના વિવિધ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લાના સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓને પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને યોગ્ય ઉકેલ લાવવા તાકીદ કરી હતી. આ મિટિંગમાં જિલ્લા પંચાયત સદસ્ય જે.કે. હાથિયા, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી, પ્રાંત અધિકારી અમોલ આવટે, કે.કે. કરમટા, ડી.વાય.એસ.પી. વિસ્મય માનસેતા સહિત સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.