’મોબાઈલમાં નહીં, મેદાનમાં રહીએ’ તો પ્રતિભા ઉત્કૃષ્ટ રીતે ખીલશે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકીશું – સાંસદ રાજેશભાઈ ચુડાસમા : વિવિધ રાજ્યોના 600 ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દાખવશે
પ્રભાસપાટણના ‘સદભાવના મેદાન’ ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને આતશબાજી સાથે રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમતગમત, યુવા, સાંસ્કૃતિઓ વિભાગના સહયોગથી 69મી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં સાંસદએ ટોસ ઉછાળી અંડર-17 ગર્લ્સની ગુજરાત અને દિલ્હી વચ્ચેની લીગ મેચ થી પ્રારંભ કરાવ્યો હતો. સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ ખેલાડીઓ સહિત મહેમાનોને આવકારતાં જણાવ્યું હતું કે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન થયું છે ત્યારે તમામ ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે એવી શુભકામનાઓ પાઠવું છું. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ઉત્તમ કાર્ય કરતા નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં રમતગમત ક્ષેત્રે માળખાગત સુવિધાઓને વેગ મળ્યો હતો. ગ્રામીણ ક્ષેત્રના પ્રતિભાવંત ખેલાડીઓ પાછળ ન રહે તે માટે ’ખેલ મહોત્સવ’ની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવી હતી. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના દીકરા દીકરીઓ પણ દેશનું નામ રોશન કરી રહ્યાં છે. હાલના સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રવાસન હોય કે હોય આરોગ્ય ક્ષેત્ર, તમામ ક્ષેત્રમાં ગુજરાતે માળખાગત વિકાસ સાધી રહ્યું છે. જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયે આજે શરૂ થયેલી 69મી નેશનલ સ્કૂલ ગેમ્સના સંદર્ભમાં જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં આ પ્રકારની ગેમ પ્રથમવાર યોજાઈ રહી છે. જિલ્લા વહીવટી તંત્ર માટે આ આનંદનો અવસર છે અને તંત્ર દ્વારા ખેલાડીઓ તેમજ કોચ માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત વિવિધ રાજ્યોના ખેલાડીઓની રંગારંગ ધ્વજ સાથેની માર્ચપાસ્ટ અને આતશબાજી પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ સ્પર્ધા માટે સોમનાથના આંગણે પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, રાજસ્થાન, પંજાબ, મણીપુર, મધ્યપ્રદેશ, કેરળ, કર્ણાટક, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત કાશ્મીરથી લઈ અને ક્ધયાકુમારી સુધી દેશના વિવિધ રાજ્યોના 600 જેટલા ખેલાડીઓ અને 100 થી વધુ કર્મચારીઓ પધાર્યા છે. આ તકે, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, જિલ્લા રમતગમત અધિકારી વિશાલ દાહોરા, જિલ્લા રમતવિકાસ અધિકારી કાનજીભાઈ ભાલિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા, અગ્રણીઓ સહિત કોચ, ટ્રેનર્સ, ટેકનિકલ, ઓફિશ્યિલ સપોર્ટીંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.
