Jai Hind

ઉનાના દેલવાડા-જૂનાગઢ મીટરગેજ ટ્રેન બંધ થતા મુસાફરોનો વિરોધ

રેલવે વિભાગના નિર્ણયથી લોકોમાં હાલાકી, રોષ વ્યાપ્યો, શરૂ કરવા માંગ

ગીર જંગલ વિસ્તારમાંથી પસાર થતી જૂનાગઢ-દેલવાડા મીટરગેજ હેરિટેજ ટ્રેન 19 જાન્યુઆરીથી બંધ કરવામાં આવી છે. આ ટ્રેન વિસાવદર જંકશન, સાસણ, તાલાલા, જાંબુર, હરમડીયા, જામવાળા, ગીરગઢડા અને ઉના થઈને દેલવાડા પહોંચતી હતી. રાજા રજવાડાના સમયથી ચાલતી આ ટ્રેન બંધ થતાં મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રેલવે વિભાગના આ નિર્ણયના વિરોધમાં ગીરગઢડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિતના લોકો રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા. તેમણે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સ્ટેશન માસ્ટરને લેખિત રજૂઆત કરી હતી.
મુસાફરોએ જણાવ્યું કે આ ટ્રેન ગરીબ અને આંતરિ યાળ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આશીર્વાદ સમાન હતી. તે જૂનાગઢ અને વેરાવળ જવા માટે અનુકૂળ પરિવહન પૂરું પાડતી હતી.
ગીરગઢડા તાલુકા મથક હોવાથી અને 42 જેટલા ગામોને આવરી લેતું હોવાથી, આ ટ્રેન બંધ થવાથી વિદ્યાર્થીઓ, દર્દીઓ અને અન્ય અનેક લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ગીરગઢડા રેલવે સ્ટેશન અંગ્રેજોના સમયનું છે અને તેની ઐતિહાસિક મહત્તા પણ છે.મુસાફરોએ રેલવે વિભાગ ને તાત્કાલિક આ ટ્રેન સેવા ફરી શરૂ કરવા અને ટ્રેન બંધ કરવાના નિર્ણયને રદ કરવા માંગણી કરી છે.