ગુંદરણ ગીર ગામની સીમમાં ચાલતી ક્લબમાંથી 15 જેટલા શખ્સો ઝડપાયા: 20 જેટલા શખ્સો ભાગી છુટવામાં સફળ
તાલાલા પંથકમાં પોલીસની મીઠી નજર હેઠળ ચાલતી ફરતી ક્લબ તરીકે ઓળખાતી જુગારની ક્લબ ઉપર આખરે સ્ટેટ મોનિટરીંગ સેલ ની ટીમ ત્રાટકતાં પતાપ્રેમીઓ ફફડી ગયા છે.
આ અંગેની વિગત એવી છે કે તાલાલા તાલુકાનાં ગુંદરણ ગીર થી ધાવા ગીર ગામ તરફ જતા માર્ગ ઉપર જુગારની ક્લબ ધમધમતી હોવાનાં સમાચાર ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલને મળતા એસ.એમ.સી નો સ્ટાફ ઢળતી સાંજે ગુંદરણ ગીર ગામની સીમમાં ત્રાટક્યો હતો.જુગાર રમતા અને રમાડતા 15 જેટલા શખ્સોને ઝડપી લીધા છે.દરોડા દરમ્યાન અંદાજે 20 જેટલા શખ્સો ભાગી છુટવામાં સફળ થયાની સીમ વિસ્તારના ખેડૂતોમાં ચર્ચા થઈ રહી છે.
આ ક્લબમાં દરરોજ લાખો રૂપિયાની હાર-જીત થતી હોવાનું કહેવાય છે.તાલાલા વિસ્તારમાં ક્લબ ચાલુ કરવા કહેવાતા ભાજપના એક મુસ્લિમ અગ્રણીને પોલીસે પરમીશન આપવામાં આવી હોવાની પણ છડેચોક ચર્ચાઓ થઈ રહી છે.આ ક્લબમાં લાખો રૂપિયાનો જુગાર ખેલાતો હોય એકજ સ્થળે ક્લબ ચાલુ રાખવામાં જોખમ હોય પ્રથમ આ ક્લબ ચિત્રાવડ ગીર વિસ્તારમાં શરૂ થઈ હતી ત્યાંથી ક્લબ વડાળા,વિઠલપુર ત્યાંથી સુરવા,મોરૂકા ગીર ત્યાંથી ધાવા ગીર,વિરપુર ગીર ત્યાંથી ફરી ચિત્રાવડ ગીર ગામની સીમમાં ચાલુ હતી.છેલ્લે ગુંદરણ ગીરથી ધાવા ગીર ગામ વચ્ચે સીમ વિસ્તારમાં ક્લબ ધમધમતી હતી જેની બાતમી ગાંધીનગર સુધી પહોંચતા ગાંધીનગર થી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી. જાણકારોના કહેવા પ્રમાણે આ ક્લબ માટે દરરોજ નો કદાવર મોટો હપ્તો આપવામાં આવતો હતો એટલે ક્લબમાં દરરોજ 40 થી 50 લોકો ખુલ્લેઆમ જુગાર રમવા આવતા અને અકલ્પનીય હાર-જીત કરતા હતા.એસ.એમ.સી ની ટીમે ગુંદરણ ગીર ગામની સીમમાંથી પતાપ્રેમીઓને પકડી તાલાલા પોલીસ સ્ટેશને લાવતા લોકોનાં ટોળાં પોલીસ સ્ટેશને એકત્ર થયા હતા. દરોડા દરમ્યાન તાલાલા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલ પતાપ્રેમીઓની પુછપરછ ચાલુ છે..ભાગી છુટેલા જુગારીયાઓ ની પોલીસ વિગતો એકત્ર કરી જુગાર દરોડા અંગે ગુનો દાખલ કરવાની કામગીરી હાથ ધરી છે.કલબ માંથી મોટી રકમ તથા જુગાર રમવા આવેલ લોકોનાં 15 થી 20 વાહનો કબજે કર્યા હોવાનું જાણવા મળે છે.