ઇન્કમ ટેકસ વિભાગે 11 લાખની નોટિસ ફટકારતા યુવકના પગ નીચેથી જમીન સરકી ગઇ
હિરાસરનો યુવક વર્ષ 2022માં રાજકોટની ઇકિવટાસ સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા ગયા હતા અને ફસાયા, ડોકયુમેન્ટનો દુરુપયોગ કરી બેન્કે ખાતુ ખોલી નાખ્યાનો આરોપ
ડિજિટલ એરેસ્ટ સહિતની છેતરપિંડીના સિલસિલા વચ્ચે નવતર કૌભાંડ સામે આવતાં રાજકોટમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે. હિરાસર રહેતાં નોકરીયાત યુવાનના બારોબાર ખુલી ગયેલા બેંક ખાતામાં 15 કરોડના વ્યવહાર થયાં બાદ 11 લાખની ઈંઝ નોટીસથી ભાંડો ફૂટ્યો હતો. જે અંગે દોઢ મહિના પહેલા ઇન્કમટેક્સની નોટીસ મળતાં યુવાનના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પોલીસ કમિશ્નરને અરજી આપી ન્યાય આપવાની માંગ કરી છે.
પોલીસ કમિશ્નરને થયેલ અરજીમાં રાજકોટના હીરાસર ગામના રહેવાસી જગદીશભાઈ ચાણાભાઈ સોલંકીએ ગોંડલ રોડ પર આવેલ ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક સામે ગંભીર નાણાકીય છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ તેમણે ક્યારેય પણ ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં કોઈપણ પ્રકારનું સેવિંગ્સ કે કરંટ એકાઉન્ટ ખોલ્યું નથી.
ગોંડલ રોડ પર આવેલ ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં આધાર કાર્ડ અપડેટ કરવાનું કેન્દ્ર આવેલ છે. જે અપડેશન માટે બેંક સાથે સંકળાયેલા આધાર સેન્ટર પર ગયેલા સમયે તેમની આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફોટોગ્રાફનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. બેંકના કેટલાક અધિકારીઓની મિલીભગતથી તેમના નામે ગેરકાયદેસર રીતે સેવિંગ્સ તથા કરંટ એકાઉન્ટ ખોલવામાં આવ્યા, ડમી ફર્મ ઊભી કરવામાં આવી અને તેમની જાણ કે સંમતિ વિના આધાર (એમએસએમઇ) સર્ટિફિકેટ પણ તૈયાર કરવામાં આવ્યું.
આ ખોટા ખાતાઓ મારફતે કરોડો રૂપિયાની રોકડ લેવડદેવડ કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ તેમણે મૂક્યો છે. આ સમગ્ર કૌભાંડની જાણ તેમને આવકવેરા વિભાગ તરફથી મળેલી નોટિસ બાદ થઈ હતી. આ બાબતે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકના ઉચ્ચ અધિકારીઓ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (છઇઈં) તેમજ આવકવેરા વિભાગને લેખિત ફરિયાદ કરી છે અને સંડોવાયેલા તમામ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.
ઉપરાંત તેઓએ માંગણી કરી છે કે, સમગ્ર ઘટનાની તાત્કાલિક, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવે, સંબંધિત તમામ ખાતાઓ ફ્રીઝ કરી ફોરેન્સિક ઓડિટ હાથ ધરવામાં આવે. વધુમાં અરજદારે જણાવ્યું હતું કે, તેઓને દોઢેક માસ પહેલા ઇન્કમટેક્સ તરફથી એક નોટિસ મળી હતી જેમાં તેઓએ દર્શાવ્યું હતું કે, તેઓના એકાઉન્ટમાં રૂપિયા 15 કરોડની લેવડદેવડ થઈ છે. જે અંતર્ગત રૂપિયા 11 લાખનો ઇન્કમટેક્સ ભરવાનો છે. જે નોટિસ જોઈ તેઓના પગ નીચેથી જમીન સરખી ગઈ હતી. જે બાબતે તેઓએ તુરંત જ બેંક અધિકારીઓનો સંપર્ક કરતા તેઓએ હાથ ઊંચા કરી દીધા હતા.
બેંક સ્ટાફનો ઉડાવ જવાબ: યુવાન ફસાયો, પોલીસ પાસે ન્યાયની આશા
રાજકોટના હિરાસરમાં રહેતાં યુવાનનું ગોંડલ રોડ પર આવેલ ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ખુલેલ ખાતામાં કરોડોનો વ્યવહાર થતાં યુવાન બેંક પર દોડી ગયાં હતાં અને ફ્રોડ વિષે અધિકારીઓ સાથે વાત કરતાં તેઓએ ઉડાવ જવાબ આપ્યાં હતાં અને અમારા તરફથી કોઈ ખાતું ખુલેલ નથી તેમ કહીં પોતાનો બચાવ કર્યો હતો. જેથી યુવાનને હવે પોલીસ પાસે જ આશા બચી છે.
