ફાઇવ-ડે વીકની માંગ સાથે સૌરાષ્ટ્રની સરકારી બેન્કોમાં હડતાલ: આર્થિક વ્યવહારો થયા ઠપ્પ

સૌરાષ્ટ્ર-કચ્છ સહીત ગુજરાતના 15 હજાર અધિકારીઓ- કર્મચારીઓ હડતાલમાં જોડાયા કરોડોના ચેકોના કલીયરીંગ અટકયા: જો કે ખાનગી-સહકારી બેન્કો ચાલુ રહી

દેશની સરકારી બેંકોમાં શનિ-રવિ-સોમની રજા બાદ આજે ખુલતા સપ્તાહે મંગળવારે હડતાલનું એલાન આપવામાં આવતા રાજકોટ-ગુજરાત સહિત દેશભરમાં બેંકીંગ કામકાજ ઠપ્પ થયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છના પપ00 સહિત ગુજરાતના 1પ હજાર અધિકારી અને કર્મચારીઓ આજે હડતાલમાં જોડાયા હતા.
આજે સરકારી બેંકો બહાર યુનિયનના આગેવાનોએ સુત્રોચ્ચાર કર્યા હતા. ગ્રાહકોના વ્યવહારો બંધ થતા બેંક કચેરીઓ સુમસામ દેખાઇ હતી. જોકે ખાનગી અને સહકારી બેંકોમાં રાબેતા મુજબ વ્યવહાર ચાલુ રહેવા છતાં મોટા ભાગના બેંકીંગ વ્યવહારો પ્રભાવિત થયા હતા.
દેશભરની જાહેરક્ષેત્ર તેમજ ખાનગી બેંકોના કર્મચારીઓના નવ યુનિયનોના બનેલા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા બેંકોમાં પાંચ દિવસના સપ્તાહના અમલીકરણની માંગણીના ટેકામાં આજે દેશવ્યાપી બેંક હડતાલનું એલાન અપાતા વિવિધ બેંકોના 8 લાખ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા. અગાઉ આઈબીએ સાથે થયેલી સમજુતીઓ અને કરાર હેઠળ બેંકોમાં પાંચ દિવસનું સપ્તાહ યુનિયને માંગ્યુ છે.
મહીનાના તમામ શનિવારે જાહેર રજા રાખવાનું નક્કી થયુ હતુ જેના બદલામાં બેંક કર્મચારીઓ સોમવારથી શુકવાર સુધી પ્રત્યેક દિવસ 40 મીનીટ વધુ કામ કરશે તેવી પણ સહમતિ સાધવામાં આવી હતી. હાલ બીજા હડતાલ અને ચોથા શનિવારે રજા હોય છે. આ અંગે સરકારની સહમતીની રાહ જોવાય છે. પરંતુ સરકારે આ બાબતના અમલીકરણ માટે હજુ સુધી કોઈ જાહેરાત ન કરતા સરકારનું ધ્યાન ખેંચવા માટે બેંક કર્મચારીઓએ હડતાલનું એલાન આપ્યું હતું.
અઠવાડીયામાં પાંચ દિવસના કામકાજથી કર્મચારીઓ પર કામનું ભારણ ઘટશે અને તેઓની કાર્યક્ષમતામાં વધારો થશે. કેન્દ્ર સરકાર અને કેટલીક રાજય સરકારો, એલ.આઈ.સી, રિઝર્વ બેન્ક, શેર બજાર,ફોરેક્સ માર્કેટમાં હાલ પાંચ દિવસનું સપ્તાહ અમલી છે. માત્ર બેંક કર્મચારીઓને જ બાકાત રાખવામાં આવેલ છે. દર શનિ રવિ બેંકોમાં રજા રાખવાથી ગ્રાહક સેવાને કોઈ અસર પડશે નહિ કારણકે આજે નાણાકીય વ્યવહાર માટેના અનેક વિકલ્પો મોજુદ છે તેમ જણાવ્યું હતું. સાથે જ મુશ્કેલી અંગે ખેદ પણ વ્યકત કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ