રૂપિયા 9.29 લાખથી વધુની કિંમતના સોનાના હાર અને પહોંચા સાથે આરોપીઓને દબોચી લેતી બાબરા પોલીસ
બાબરા તાલુકાના વલારડી ગામે થયેલી લાખો રૂપિયાના સોનાના દાગીનાંની ચોરીના કિસ્સામાં પોલીસે બાજ નજર રાખી ગણતરીના કલાકોમાં જ ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી એક મહિલા સહિત બે શખ્સોની ધરપકડ કરી લઈ જેલ હવાલે કર્યાં છે.
બાબરા પોલીસ મથકે મેહુલકુમાર વિનુભાઈ કાવઠીયાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તારીખ 22 થી 23 ના સમયગાળા દરમિયાન તેમના બંધ મકાનમાં કોઈ અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી કબાટમાંથી આશરે સાત તોલાનો સોનાનો હાર તથા સોનાના બે નંગ પહોંચાની ચોરી કરી હતી. આ બાબતે બાબરા પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) 2023 ની કલમ 305(એ), 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
બાબરા પી.આઇ.એમ.આર.શેઠ તથા સબ ઇન્સ્પે. કે.એસ.ડાંગરની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ બાતમીદારોનો સચોટ ઉપયોગ કરીને પોલીસે ગૌતમભાઈ રમેશભાઈ ડાભી રહે. બાબરા તથા નિશાબેન હિતેશભાઈ ઉર્ફે નીતિનભાઈ નવાપરીયા (રહે. સુરત) ને ઝડપી પાડ્યા હતા.
પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં સોનાનો હાર કિંમત રૂ. 4,86,361 તથા સોનાના બે પહોંચા કિંમત રૂપિયા4,43,587, મળી કુલ રૂપિયા 9,29,948 નો મુદ્દામાલ રીકવર કરી પોલીસે ચોરીનાં ગુનાને ડિટેક્ટ કરવામાં સફળતા મેળવી છે. હાલ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
