ગિર સોમનાથ એલ.સી.બી.એ 103 બોટલ દારૂ અને બિયરના ટીન સહિત કુલ રૂા.41,450નો મુદ્દામાલ કબ્જે કર્યો; એકની ધરપકડ, ઉનાનો શખ્સ ફરાર
ગીર સોમનાથ લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ કોડીનારના જીન પ્લોટ વિસ્તારમાં દરોડો પાડી રહેણાંક મકાનના ભોંયરામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરી છે.
જુનાગઢ રેન્જ આઈ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા આપેલી સૂચના મુજબ, કઈઇના પી.આઈ. એસ.વી. રાજપુત, પી.એસ.આઈ. એ.સી. સિંધવ તથા પી.એસ.આઈ. એચ.એલ. જેબલીયાના માર્ગદર્શન હેઠળ ટીમો પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી સંયુક્ત બાતમીના આધારે કોડીનારના જીન પ્લોટ, ફલીન નગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસની તપાસ દરમિયાન મકાનના ભોંયરામાં છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કાચની તથા પ્લાસ્ટિકની સીલપેક 103 બોટલો તથા 19 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂના જથ્થા સહિત રૂા.10,000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂ.41,450નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી પ્રકાશ ઉર્ફે રવી રમેશભાઈ કામળીયા (ઉ.વ. 36, રહે. જીન પ્લોટ, કોડીનાર) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક શખ્સ ચીંતન ઉર્ફે ચીટ ગોસ્વામી (રહે. ઉના) હાજર મળી ન આવતા પોલીસે તેને ફરાર જાહેર કરી પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે કોડીનાર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એલ.સી.બી.એ કોડીનાર વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ કુલ 04 જેટલા પ્રોહિબિશનના કેસો કરી દારૂબંધીના કડક અમલની દિશામાં અસરકારક કામગીરી કરી છે. આ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.