51 ખાતેદારોને વિશ્ર્વાસમાં લઇ ઉચાપત કરતા પોલીસ ફરિયાદ
તાલુકાના જલાલપર ગામે આવેલી ભાવનગર ડિસ્ટ્રિક સહકારી બેંકની શાખામાંથી કેશિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ બેંક કામગીરી માટે પોતાને મળેલા આઈ.ડી. – પાસવર્ડનો દુરુપયોગ કરીને એકાવન જેટલા બેંક ખાતેદારોના ખાતામાંથી પોતાની પત્નીના ખાતા સહિત જુદા જુદા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી લેતા ખાતેદારોના ધ્યાન ઉપર આવતા થયેલી ફરિયાદ અને તપાસના અંતે આશરે રૂપિયા બે કરોડ ચૌદલાખ નવ્વાણું હજાર જેવી માતબર રકમની ઉચાપત થયેલ હોવાની હકીકત બહાર આવતા ભારે ચકચાર વચ્ચે ધોરણસરની પોલીસ ફરિયાદ ઢસા પોલીસ મથકે બેંક મેનેજર વિજયસિંહ પરમાર દ્વારા હેડ ઓફિસની સૂચના મુજબ નોંધવામાં આવી છે.
આ અંગે વધારે જાણવા મળતી વિગતો અનુસાર બેંકના કેશિયર આનંદકુમાર પોપટભાઈ સગર દ્વારા અન્ય ગ્રાહકોના ખાતામાથી રકમ ઉપાડી લઈ પોતાના ઢસા જંકશન બ્રાન્ચનાં ખાતામા તેમજ જલાલપુર શાખાના કેશ ક્રેડીટ ખાતામાં તેમજ તેમનાં પત્ની જાગૃતિબેન ભુપતભાઈ વઢેળના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરેલ હોવાનું જણાય આવેલ. છેલ્લા છ થી આઠ દરમિયાન શરૂ કરેલી ઉચાપત પછી ખાતેદાર એન્ટ્રી પાડવા આવે તો પ્રિન્ટર ખરાબ હોવું વગેરે ખોટા બહાના કાઢી મૌખિક રીતે ખાતેદારોના ખાતામાં કેટલું બેલેન્સ છે એ પોતાની યાદી પ્રમાણે જણાવીને ખાતેદારોનો વિશ્વાસમાં રાખી પોતાના કરતૂત ઉપર ઢાંક પીછોડો કરી રાખ્યો હતો. જેના કારણે કેશિયર આનંદકુમારે કોમ્પ્યુટર સીસ્ટમ સાથે ચેડા કરેલ હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવેલ. ઉપરાંત આનંદકુમારનુ નામ ઉચાપતમા સંડોવાયાની જાણ તેમના પત્નિ જાગૃતિબેનને થતા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટીવ બેંકની ઢસાગામ શાખામાં રહેલ પતિ પત્નીના જોઇન્ટ નામથી ચાલતું લોકર ખોલવા માટે ગયેલ. પરંતુ ઉચાપતના પગલે કેશિયરના તમામ શંકાસ્પદ ખાતાઓ અને લોકર હેડ ઓફિસની સુચના અનુસાર હોલ્ડ ઉપર મુકવામાં આવેલ. જેના પગલે તેણીએ લોકરમા તેના પિતાએ આપેલ દાગીનાની પોટલી સાચવવા મુકેલ છે તે લેવા આવેલ હોવાનું જણાવી લોકર નહીં ખોલવા દે તો પોતે આત્મ હત્યા કરશે તેવું નાટક કરી બેન્કના અધિકારી તથા ડાયરેક્ટર વિરૂધ્ધ પણ આક્ષેપો કરેલ. જેથી સ્પષ્ટપણે જણાય આવેલ કે આનંદકુમાર સગરનાં પત્ની જાગ્રુતીબેન પણ તેનાં ખાતામાં થતી લેવડ દેવડથી પરીચીત છે અને તેમને મળેલ સંપતીને જાગ્રુતીબેન તેમનાં પિતાની પોટલી તરીકે દર્શાવી પોતે અજાણ હોવાનો ડહોળ કરેલ હોવાનું જણાય આવેલ. જેથી કેશિયર આનંદકુમાર પોપટભાઈ સગર દ્વારા ભાવનગર ડીસ્ટ્રીક્ટ કો. ઓપરેટીવ બેન્કની જલાલપુર શાખાના ખાતા ધારકોનાં ખાતામાથી કોમ્પયુટરમાં એન્ટ્રીઓમાં છેડછાડ કરી ખોટી એન્ટ્રીઓ કરી બેન્કના ખાતેદારોનાં નાણાં એકબીજાનાં ખાતાઓમાથી ખોટી રીતે ઉપાડ કરી પોતાનાં બચત ખાતા અને સી.સી. ખાતામાં જમા કરી તેમજ તે રૂપિયા તેમની પત્ની જાગ્રુતીબેનનાં ખાતામા મોટી રકમો ટ્રાન્સફર કરી કુલ મળીને રૂપિયા બે કરોડ ચૌદલાખ નવ્વાણું હજાર ની ઉચાપત કરી પોતાનાં અંગત ઉપયોગમાં વાપરી જઈ નાણાની ઉચાપત કરી પોતે મેળવેલ નાણા માટે હકદાર નહી હોવા છતા ગેરકાયદે બેન્કનાં ખાતેદારનાં નાણાનો લાભ મેળવી બેન્કને ગેરકાયદે નુકશાન કરી એકબીજાએ મદદગારી કરેલ હોવાનું બેન્કની તપાસ કમીટીનાં ધ્યાન ઉપર આવતા જલાલપુર શાખાનાં બ્રાન્ચ મેનેજર વિજયસિંહ પરમારને હેડ ઓફિસ તરફથી ધોરણસરની પોલીસ ફરીયાદ કરવા માટે લેખિત સૂચના મળતા ફરીયાદ સાથે જરૂરી દસ્તાવેજી પુરાવાઓ હેડ ઓફિસ દ્વારા ગઠન કરવામાં આવેલ તપાસ કમીટીનો રીપોર્ટ, જલાલપુર શાખામાં થયેલ ઉચાપત વાળા કુલ 51 ખાતાઓની તા. 1-6-2023 થી તા.12-1-2026 સુધીના સ્ટેટ મેન્ટ, આનંદકુમારનાં ખાતા સહીત ફરીયાદ કરવાનો અધિકારપત્ર, આનંદકુમારનો જલાલપુર શાખામાં હાજર થવા અંગેનો રીપોર્ટ, સાયબર પોલીસ સ્ટેશન બેંગલોરનો તથા ગુજરાત સ્ટેટ કો.ઓ.બેન્ક અમદાવાદનો ઈ-મેઇલ વગેરે રજૂ કરવામાં આવેલ. આ સમગ્ર ઉચાપત પ્રકરણે બેંક તરફથી ભોગ બનેલા તમામ ખાતેદારોના પૂરેપૂરા રૂપિયા વહેલી તકે પરત કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.