ટ્રકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં યુ.પી.ના શ્રમીકનું મૃત્યુ
મેટોડામાં ટ્રકે બાઈકને હડફેટે લીધું હતું. જેમાં પત્નીની નજર સામે જ પતિના ચહેરા પર ટ્રકનું વ્હીલ ફરી વળ્યું હતું અને તેનું મોત નીપજ્યું હતું. મૂળ ઉત્તરપ્રદેશનો મૃતક રાજુ કશ્યપ કારખાનામાં મજૂરી કરતો હતો. પત્ની પૂજાને પણ ઇજા પહોંચતા રાજકોટ સિવિલમાં દાખલ કરાઈ હતી.
આ અંગે મળતી વિગત મુજબ, પત્ની પૂજાબેન રાજુભાઈ કશ્યપ (ઉંમર 30 રહે. બિલટેક કંપની હરિપર પાટીયા, મેટોડા, તા. લોધીકા, જિ. રાજકોટ)એ જણાવ્યું કે, ગઈકાલે તે પોતાના પતિ રાજુભાઈ જવાહીરલાલ કશ્યપ (ઉંમર વર્ષ 36)ના બાઈક પર બેસી તેઓ જ્યાં રહે છે તે કારખાનેથી મેટોડાની બુધવારી બજારમાં ગયા હતા. કારખાનામાં રજા હોવાથી દંપતી બજારમાં ખરીદી કરવા ગયું હતું. શાકભાજી વગેરે ખરીદી કરી બંને બાઈક પર પરત કારખાને જતા હતા. ત્યારે રાત્રે 8.30 વાગ્યા આસપાસ મેટોડા ગેટ નંબર 3 પાસે અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને હડફેટે લીધું હતું. જેમાં રાજુભાઈના માથા-ચહેરા પર ટ્રકનું વ્હીલ ફરી વળ્યું હતું. જ્યારે પૂજાબેન રોડની સાઈડમાં ફંગોળાઈ જતા ઇજા થઈ હતી. બંનેને 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પતિ રાજુને મૃત જાહેર કરવામાં આવેલ જ્યારે પત્ની પૂજાને સર્જરી વોર્ડમાં દાખલ કરાઈ હતી.
પરિવારજનોને જાણ થતા રાજકોટ સિવિલમાં દોડી આવ્યા હતા. બુધવાર હતો એટલે કારખાનમાં રજા હોવાથી પતિ પત્ની મેટોડા બજારે ગયા હતા. જ્યાંથી શાકભાજી વગેરે ખરીદી પરત કારખાને રૂમે આવતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. મૃતક રાજુભાઈને સંતાનમાં 1 દીકરો અને 1 દીકરી છે. તેઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની હતા. અત્રે બિલ ટેક. કારખાનામાં કામ કરતા હતા. મેટોડા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમમાં ખસેડી ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરવા તજવીજ કરી હતી.